ભારત ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની ગંભીરતાથી ચિંતિત

નવીદિલ્હી, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા તણાવનું પરિણામ એ આવ્યું કે ઈરાને શનિવારે રાત્રે ઈઝરાયેલ પર ૧૦૦થી વધુ ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે. ઈરાનનના આ ડ્રોન હુમલા બાદ વિશ્વભરના નેતાઓની પ્રતિક્રિયા આવી રહી છે ત્યારે ભારતે પણ આ હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલય દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.

આ નિવેદનમાં વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે ’અમે ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની ગંભીરતાથી ચિંતિત છીએ, જેનાથી આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષાને જોખમમાં છે. અમે બંને દેશોને અપીલ કરીએ છીએ કે તેઓ આ સંઘર્ષથી પાછા હટી જાય અને બંને દેશો વાતચીત કરે. વિદેશ મંત્રાલય આ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આ ક્ષેત્રમાં અમારા દૂતાવાસો ભારતીય સમુદાયના સંપર્કમાં છે.

નોંધનીય છે કે ઈરાને શનિવારની મોડી રાત્રે ઈઝરાયેલની સરહદે પર પહેલો સીધો હુમલો કર્યો. હવે ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલોનો મારો ચલાવાથી ક્ષેત્રમાં તણાવ વધવાનો ખતરો વધી ગયો છે. અહેવાલ અનુસાર, ઇઝરાયેલમાં મોડી રાત્રે અચાનક સાયરન વાગવા લાગ્યા અને પછી જોરદાર ગડગડાટ અને વિસ્ફોટનો અવાજ સંભળાવા લાગ્યો હતો. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના તાત્કાલિક સમાચાર સામે નથી આવ્યા. ઈઝરાયેલે કહ્યું કે ઈરાન દ્વારા ૧૦૦થી વધુ ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે. હુમલાને જોતા મધ્ય પૂર્વના ઘણા દેશોએ તેમની એરસ્પેસ બંધ કરી દીધી છે. ઈઝરાયેલના પશ્ર્ચિમી સહયોગીઓ અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગ્યુટરેસે ઈરાની હુમલાની ટીકા કરી હતી. ઈઝરાયેલની માંગ પર રવિવારે સાંજે ૪ વાગ્યે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક યોજાવા જઈ રહી છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તે ઈઝરાયેલને મદદ કરવા જઈ રહ્યું છે. સાથે જ ઈઝરાયેલના અધિકારીઓએ કહ્યું છે કે ઈરાનના હુમલાનો ચોક્કસપણે બદલો લેવામાં આવશે.