
નવીદિલ્હી,
વૈશ્ર્વિક પડકારો વચ્ચે, ભારત વિશ્ર્વભરમાં રોકાણ માટે આકર્ષક સ્થળ છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમનને આનું કારણ પૂછવામાં આવ્યું તો સ્પષ્ટ કહ્યું કે, ઘણી સારી વસ્તુઓનો અનોખો સંગમ ભારતને રોકાણનું લોકપ્રિય સ્થળ બનાવે છે.
નિર્મલા સીતારમને કહ્યું કે, ભારત રોકાણ આકર્ષવા માટે એક લોકપ્રિય સ્થળ બની ગયું છે. તેનું કારણ એ છે કે અહીં કંપનીઓને કુશળ યુવા શક્તિ અને ઝડપથી વિક્સતું સ્થાનિક બજાર મળે છે. વૈશ્ર્વિક પડકારો વચ્ચે, ભારતમાં ’ઘણી વસ્તુઓનો યોગ્ય સંગમ’ છે.
રાયસિના ડાયલોગમાં વાતચીત દરમિયાન તેમની ટિપ્પણીમાં, નિર્મલા સીતારમને એમ પણ કહ્યું કે, ભારતમાં એવું કોઈ ક્ષેત્ર નથી કે જે ખાનગી ક્ષેત્ર માટે ઉપલબ્ધ ન હોય અને વિપક્ષની ટીકાને નકારી કાઢી કે સરકાર જાહેર સંપત્તિ વેચાણાર્થે કાઢી છે.
તેમણે કહ્યું કે ભારત G20 માં ગ્લોબલ સાઉથનો અવાજ બની રહ્યું છે. નિર્મલા સીતારમને જણાવ્યું હતું કે, સુપ્રશિક્ષિત યુવાઓ, મધ્યમ વર્ગને કેપ્ટિવ માર્કેટ આપવો, ટેક્નોલોજી આધારિત રોકાણ અને જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભારતના સતત વિકાસના કારણોમાં સામેલ છે.
ક્લાયમેટ ફાઇનાન્સનો ઉલ્લેખ કરતા સીતારમને કહ્યું કે, અનુકૂલન અને શમન બંને પર ચર્ચા કરવાની જરૂર છે. ગ્લોબલ સાઉથ અને તેમની જરૂરિયાતો પર ચર્ચા કરવા માટે વધુ તૈયારી કરી રહ્યા છીએ. સરકારના આત્મનિર્ભર ભારતનો ઉલ્લેખ કરતાં, તેમણે કહ્યું કે તે સંરક્ષણવાદી વ્યવસ્થામાં માનતા નથી.