ગયા વર્ષે નેપાળના જાજરકોટમાં આવેલા ભૂકંપ બાદ,લોકો પોતાના ઘર ફરી બનાવવા અને પોતાના જીવનને ફરી સારું કરવા ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છે. એવામાં ભારત ફરી એકવાર પાડોશી દેશને મદદ કરવાની જવાબદારી ઉઠાવી રહ્યું છે. જે બાબતે વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરે શુક્રવારે જાહેરાત કરી હતી કે ભારત નેપાળના પશ્ચિમ જિલ્લાના ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓના પુનઃનિર્માણ માટે $7.5 કરોડની સહાય કરશે. આ ઉપરાંત કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે પણ એક અખબારી નિવેદનમાં આનો ઉલ્લેખ કર્યો છે.
એક અહેવાલ પ્રમાણે નવેમ્બરમાં નેપાળમાં 6.4ની તીવ્રતાના ભૂકંપથી 128 લોકો માર્યા ગયા હતા અને ઓછામાં ઓછા 141 ઘાયલ થયા હતા. કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે ગુરુવારે જણાવ્યું હતું કે જયશંકર અને નેપાળના વિદેશ પ્રધાન એનપી સઈદ જાજરકોટ ભૂકંપ બાદ રાહત કામગીરીના સાક્ષી બન્યા છે.
ભારત દ્વારા નેપાળના ભૂકંપથી પ્રભાવિત લોકોને મોકલવામાં આવેલી મદદમાં 200 પ્રિફેબ્રિકેટેડ મકાનો, 1200 ધાબળા, 150 ટેન્ટ અને 2000 સ્લીપિંગ બેગ સામેલ છે. 200 પ્રી-ફેબ્રિકેટેડ ઘરોમાંથી, 20 આજે સોંપવામાં આવ્યા હતા અને બાકીના આગામી થોડા અઠવાડિયામાં સોંપવામાં આવશે.
વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર આ વર્ષના પ્રથમ વિદેશ પ્રવાસ પર ગુરુવારે નેપાળ પહોંચ્યા હતા. તેમણે તેમના નેપાળી સમકક્ષ એનપી સઈદ સાથે 2015ના ભૂકંપ બાદ કાઠમંડુમાં ત્રિભુવન યુનિવર્સિટી સેન્ટ્રલ લાઈબ્રેરી અને અન્ય પુનઃનિર્માણ પ્રોજેક્ટ્સનું સંયુક્તપણે ઉદ્ઘાટન કર્યું હતું.
વિદેશ મંત્રીએ ભૂકંપના કારણે થયેલા મૃત્યુ બાબતે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે ગયા વર્ષે નવેમ્બરમાં નેપાળના પશ્ચિમી ભાગોમાં આવેલા ભૂકંપના કારણે થયેલા મૃત્યુ અને વિનાશ વિશે જાણીને ભારતને દુઃખ થયું.
તેમજ તેમણે કહ્યું, ‘અમે નેપાળના લોકો સાથે ઉભા છીએ અને હંમેશા ઊભા રહીશું. તેથી, ગઈ કાલે વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડને કહ્યું કે ભારત અસરગ્રસ્ત જિલ્લાઓમાં માળખાકીય સુવિધાઓના પુનઃનિર્માણ માટે 1,000 કરોડ નેપાળી રૂપિયા એટકે કે 7.5 કરોડ ડૉલર આપીશું.