નવીદિલ્હી,ભારત એક વિકાસશીલ દેશ છે. આપણો દેશ ભલે હાલ વિશ્ર્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યો છે. પરંતુ દેશના લોકોની માથાદીઠ આવકની જ્યારે વાત આવે છે, તો જે આંકડાઓ સામે આવ્યા છે તે ખૂબ નિરાશાજનક છે. કારણ કે પ્રતિ વ્યક્તિ આવકના કિસ્સામાં ભારત વિશ્ર્વના ગરીબ દેશોથી પણ પાછળ છે. જેમાં ૧૯૨ દેશોમાં ભારતનું સ્થાન ૧૪૨મું છે. એક રીપોર્ટમાં જણાવ્યા અનુસાર, ભૂટાન-અંગોલા અને દક્ષિણ આફ્રિકાના અનેક ગરીબ દેશો પણ ભારતથી આ મામલામાં આગળ છે. વિશ્ર્વની મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોમાં ભારતના લોકોની આવક સૌથી ઓછી છે.
અમેરિકા અને જર્મનીની ગણતરી વિકસિત દેશોમાં કરવામાં આવે છે. આ દેશો સાથે ભારતની તુલના કરીએ તો પ્રતિ વ્યક્તિ આવક ક્રમશ: ૧૭થી ૨૦ ગણી ઓછી છે. અમેરિકામાં એક વ્યક્તિની વાર્ષિક આવક ૮૦,૦૩૫ ડોલર છે, તો ભારતના એક સામાન્ય માણસની આવક સરેરાશ ૨૬૦૧ ડોલર છે. જર્મનીની વાત કરવામાં આવે તો આ દેશના લોકો ભારતીયો કરતા ૨૦ ગણી વધારે કમાણી કરે છે. ત્યારે ભારતની તુલનામાં બ્રિટનના લોકોની આવક ૧૮ ગણી, જાપાન અને ઈટલીના લોકોની આવક ૧૪ ગણી વધારે છે.
રિપોર્ટ પર જો નજર કરીએ તો આપણેને ભારતની સ્થિતિ જોઇને ઘણું આશ્ર્ચર્ય થાય છે. કારણ કે ભારતની હાલત એટલી દયનીય છે કે, વિશ્ર્વના ઘણા ગરીબ દેશો પણ માથાદીઠ આવકની બાબતમાં ભારત કરતા આગળ હોવાનું સામે આવ્યું છે. તમે પણ જાણીને હેરાન થઇ જશો કે અંગોલા, વર્નાતુ અને સાઓ ટોમ પ્રિન્સિપે જેવા ગરીબ દેશોની સ્થિતિ ભારત કરતા ઘણી સારી છે. ગરીબ દેશોનું ટાઇટલ ધરાવતા આ દેશના લોકો ભારતીયો કરતા સારી કમાણી કરે છે. અંગોલામાં પ્રતિ વ્યક્તિની આવક ૩૨૦૫ ડોલર છે, વર્નાતુમાં પ્રતિ વ્યક્તિની આવી ૩૧૮૮ ડોલર છે અને સાઓ ટોમ પ્રન્સિપેમાં પ્રતિ વ્યક્તિની આવક ૨૬૯૬ છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારત દેશ પોતાને વિકસિત દેશોની શ્રેણીમાં જોવાનું ઉદ્દેશ્ય રાખે છે. રીપોર્ટની માનીએ તો ભારતને આ સિદ્ધિ મેળવવા માટે પોતાની પ્રતિ વ્યક્તિ આવકને ૧૩૦૦૦ ડોલર સુધી લાવવી પડશે. ત્યારે જ ભારત વિકાસશીલમાંથી વિકસિત દેશોની લિસ્ટમાં આવી શકે છે.