ભારત-ચીન વચ્ચે સરહદ પર સૈનિકોની અથડામણ થઈ શકે:અમેરિકન ગુપ્તચર એજન્સી

  • વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે બંને દેશોના સૈનિકોની હાજરી આજે પણ ચાલુ છે.

વોશિગ્ટન, અમેરિકન ગુપ્તચર એજન્સીઓએ ભારત અને ચીનના સૈનિકો વચ્ચેની અથડામણને લઈને ચેતવણી જાહેર કરી છે.અમેરિકન એજન્સીઓનું માનવું છે કે વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે બંને દેશોના સૈનિકોની હાજરી આજે પણ ચાલુ છે.રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેવી રીતે ચીન પોતાની શક્તિ બતાવવા અને વિદેશમાં પોતાના હિતોની રક્ષા કરવા માટે શ્રીલંકા અને પાકિસ્તાન સહિત અન્ય ઘણા દેશોમાં સૈન્ય મથકો સ્થાપિત કરવા માંગે છે.

અમેરિકન ગુપ્તચર એજન્સીના રિપોર્ટ અનુસાર વિવાદિત સરહદને લઈને ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ હાલ ચાલુ રહેશે.૨૦૨૦ પછી બંને દેશો વચ્ચે કોઈ અથડામણ ન થઈ હોવા છતાં, તેઓએ મોટી સંખ્યામાં તેમના સૈનિકો તૈનાત કર્યા છે.આ કારણે બંને દેશો વચ્ચે છૂટાછવાયા મુકાબલો થવાનું જોખમ છે. રિપોર્ટમાં ચીનની સૈન્ય વિસ્તરણ યોજનાઓ, ચીનના આક્રમક સાયબર અભિયાનો અને ૨૦૨૪ની અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીને પ્રભાવિત કરવાના ચીનના પ્રયાસો વિશે પણ વાત કરવામાં આવી છે.તેમાંઈઝરાયેલ-હમાસ યુદ્ધઅને રશિયા-યુક્રેન યુદ્ધ સહિત અન્ય સંઘર્ષોનો પણ ઉલ્લેખ છે .

વડા પ્રધાનનરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે અરુણાચલ પ્રદેશમાં ૧૩,૦૦૦ ફૂટની ઊંચાઈ પર બનેલી સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું.આ ટનલ તવાંગને તમામ હવામાનમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે. મે ૨૦૨૦માં વાસ્તવિક નિયંત્રણ રેખાના લદ્દાખ સેક્ટરમાં ચીન સાથે સૈન્ય સંઘર્ષની શરૂઆત થઈ ત્યારથી ભારત-ચીન સરહદની નજીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને વેગ મળ્યો છે.બંને દેશોએ લદ્દાખ સેક્ટરમાં લગભગ ૫૦,૦૦૦ સૈનિકો તૈનાત કર્યા છે.

અહેવાલમાં પાકિસ્તાન તરફથી કોઈપણ ઉશ્કેરણીના કિસ્સામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે.રિપોર્ટ અનુસાર, ભારત અને પાકિસ્તાન ૨૦૨૧ની શરૂઆતમાં નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામ બાદ તેમના સંબંધોમાં શાંતિ જાળવી રાખવા આતુર જણાય છે.જો કે, આ સમયગાળા દરમિયાન બંને દેશો દ્વારા સંબંધોને સામાન્ય બનાવવા માટે કોઈ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “પાકિસ્તાનનો ભારત વિરોધી આતંકવાદી જૂથોને સમર્થન કરવાનો લાંબો ઇતિહાસ છે.આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાકિસ્તાની ઉશ્કેરણીનો સૈન્ય બળથી જવાબ આપવાની ભારતની વધતી તૈયારી પણ જોવા મળી રહી છે.આ બંને પાસાઓ પર નજર કરીએ તો ભવિષ્યમાં બંને દેશો વચ્ચે સૈન્ય સંઘર્ષની શક્યતા નકારી શકાય તેમ નથી.