
વોશિગ્ટન, ભારત બાદ હવે અમેરિકા પણ ચાઇનીઝ એપ ટીકટોક પર પ્રતિબંધ મુકે તેવી સંભાવના છે આ એપ્લિકેશનને લઈને અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સીના રિપોર્ટમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ચાઈનીઝ એપનો ઉપયોગ અમેરિકામાં ચૂંટણીને પ્રભાવિત કરવા માટે થઈ શકે છે. યુએસ નેશનલ ઈન્ટેલિજન્સ એજન્સીના ડાયરેક્ટર એવરિલ હેન્સે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની ઈન્ટેલિજન્સ કમિટી સમક્ષ કહ્યું કે ચીન ૨૦૨૪ની અમેરિકાની ચૂંટણીને પ્રભાવિત કરવા માટે સોશિયલ મીડિયા એપ ટીકટોકનો ઉપયોગ કરી શકે છે.
આ ચાઈનીઝ એપ્સ સામે ઘણીવાર યુઝર્સના ડેટાને ચીન સાથે શેર કરવાનો આરોપ લાગ્યો છે. આ જ કારણ હતું કે ભારતમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ડેમોક્રેટિક સાંસદ રાજા કૃષ્ણમૂત એ સવાલ કર્યો હતો કે શું ચીનની સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટી ચૂંટણીને પ્રભાવિત કરવા માટે ટીકટોકનો ઉપયોગ કરશે? તેના જવાબમાં હેન્સે કહ્યું, અમે એ વાતને નકારી શકીએ નહીં કે સીસીપી તેનો ઉપયોગ કરશે.
કૃષ્ણમૂત ચીન મુદ્દે બનાવાયેલી ગૃહની પસંદગી સમિતિમાં રેક્ધિંગ ડેમોક્રેટ પણ છે, જેમણે ગત અઠવાડિયે તેમના રિપબ્લિકન અયક્ષ માઇક ગેલાઘર સાથે એક બિલ રજૂ કર્યું હતું. આ મુજબ એપ્લિકેશનના ચાઇનીઝ માલિક ટીકટોક એપ વેચવા માટે લગભગ છ મહિનાનો સમય આપવામાં આવ્યો છે જેનો ઉપયોગ ૧૭૦ મિલિયન અમેરિકનો કરે છે. તેનો અર્થ એ છે કે તેણે કાં તો ચીન સાથેના સંબંધો તોડી નાખવા પડશે અથવા અમેરિકામાં એપ બંધ કરવી પડશે.