રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બાદ હવે ઇટલીના વડાપ્રધાન જ્યોજયા મેલોનીએ પણ કહ્યું છે કે યૂક્રેન યુદ્ધ ખતમ કરવામાં ભારત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. રશિયા અને યૂક્રેન વચ્ચે ફેબ્રુઆરી ૨૦૨૨ થી યુદ્ધ ચાલી રહ્યું છે. મેલોનીની ટિપ્પણીઓ સેર્નોબિયોમાં એમ્બ્રોસેટી ફોરમમાં તેમના સંબોધન દરમિયાન આવી. આના થોડા સમય પહેલા જ તેમણે યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. જ્યારે ઇટલીના પીએમએ આ કોમેન્ટ કરી ત્યારે યૂક્રેનના રાષ્ટ્રપતિ પણ તેમની સાથે સ્ટેજ પર હાજર હતા.
જ્યોજયા મેલોનીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું, ’તે સ્પષ્ટ છે કે જો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન થશે તો સંઘર્ષ અને સંકટ વધુ વધશે. પરંતુ એ પણ સ્પષ્ટ છે કે સંકટ વધવાની સાથે વૈશ્ર્વિક અર્થવ્યવસ્થાને અસર થશે. આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને નિયમોનું ઉલ્લંઘન અને ઇકોનોમિક ગ્લોબલાઇઝેશન એક્સાથે ન ચાલી શકે. મારું માનવું છે કે સંઘર્ષને ઉકેલવામાં ચીન અને ભારત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. એકમાત્ર વસ્તુ જે થઈ શક્તી નથી, એ તે વિચારવું છે કે યૂક્રેનને છોડીને સંઘર્ષને ઉકેલી શકાય છે.’
મેલોનીએ કહ્યું, ’ઇટલી માટે, યૂક્રેનનું સમર્થન કરવાનો વિકલ્પ સૌથી પહેલો અને સૌથી મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય હિતનો વિકલ્પ રહ્યો છે, અને આ એક એવો વિકલ્પ છે જે નહીં બદલાય.’ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૩ ઓગસ્ટના રોજ યૂક્રેનની તેમની મુલાકાત દરમિયાન વોલોડીમિર ઝેલેન્સકીને રશિયા સાથે સીધી વાતચીતમાં સામેલ કરવા આગ્રહ કર્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે બંને દેશોએ યુદ્ધ સમાપ્ત કરવામાં વિલંબ ન કરવો જોઈએ. જણાવી દઈએ કે ૧૯૯૧માં યૂક્રેન સોવિયત સંઘથી અલગ થઈને અલગ દેશ બન્યા પછી ભારતીય વડાપ્રધાનની આ પહેલી મુલાકાત હતી. યૂક્રેનથી પરત ફર્યા બાદ તરત જ પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને પછી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી.
વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, ’શું અમે તેમની (યૂક્રેન) સાથે વાતચીત કરવા તૈયાર છીએ? અમે ક્યારેય આવું કરવાની ના પાડી નથી. પરંતુ વાટાઘાટો કેટલીક ટૂંકા ગાળાની માંગણીઓ પર આધારિત નહીં થાય, પરંતુ એ દસ્તાવેજોના આધારે થશે જેના પર ઇસ્તાંબુલમાં સંમત થયા હતા.’ વધુમાં, પુતિને સૂચવ્યું હતું કે ચીન, ભારત અને બ્રાઝિલ યૂક્રેન સંબંધિત ભાવિ શાંતિ વાટાઘાટોમાં મયસ્થી તરીકે સંભવિત રીતે કામ કરી શકે છે.
રશિયાએ અગાઉ કહ્યું હતું કે કુર્સ્ક ક્ષેત્રમાં યૂક્રેનની ઘૂસણખોરીથી શાંતિ મંત્રણા અશક્ય બની ગઈ છે. વ્લાદિમીર પુતિનની ટિપ્પણીઓ રશિયા અને યૂક્રેન બંનેની તેમની મુલાકાતો દરમિયાન પીએમ મોદીએ ’સંઘર્ષના વહેલા, સ્થાયી અને શાંતિપૂર્ણ નિરાકરણને સમર્થન આપવા માટે ભારતની મક્કમ પ્રતિબદ્ધતા’ પર ભાર મૂક્યો હતો તેના અઠવાડિયા પછી આવી. દરમિયાન જ્યોજયા મેલોનીએ કહ્યું હતું કે ઇટલી તેના સમર્થનથી ક્યારેય પાછળ નહીં હટે. તેમણે કહ્યું, ’યૂક્રેનને સમર્થન આપવાનો નિર્ણય માત્ર નૈતિક રીતે યોગ્ય નથી, પરંતુ રાષ્ટ્રીય હિતમાં પણ છે. કારણ કે તેનો હેતુ યુક્રેનની રાષ્ટ્રીય અખંડિતતાના રક્ષણ માટે રચાયેલ નિયમોનું રક્ષણ કરવાનો છે.