મુંબઇ, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આગામી ટી -૨૦ વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ શકે છે, તેવી સંભાવના વિન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાએ કરી છે. લારાએ કહ્યું કે, વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં ઘણા બધા સુપરસ્ટાર છે. જો તેઓ ઘરઆંગણાના મેદાનમાં એક ટીમ તરીકે સારો દેખાવક કરવામાં સફળ રહેશે તો ચોક્કસ ટી -૨૦ વર્લ્ડ કપમાં જોરદાર દેખાવ કરી બતાવશે. ભારતની ટીમના સિલેક્શન અંગે ચર્ચા ચાલી રહી છે, પણ મને લાગે છે કે, ભારત ટોપ ફોરમાં તો પ્રવેશ મેળવી જ લેશે.
આઈપીએલમાં કોમેન્ટેટર તરીકેની ભૂમિકા ભજવી રહેલા લારાએ કહ્યું કે, ઈંગ્લેન્ડની ટીમને વેસ્ટ ઈન્ડિઝની ભૂમિ અનુકૂળ આવે તેવી છે. મને લાગે છે કે તેઓ પણ અંતિમ ચારમાં પ્રવેશી શકે છે. જ્યારે ચોથી ટીમ મારા મતે અફઘાનિસ્તાન હોઈ શકે છે. તેઓ અણધારી સફળતા મેળવતા આગેકૂચ કરી શકે છે. લારાએ ઊમેર્યું કે, ભૂતકાળમાં ઘણી બાબતો અનપેક્ષિત થઈ ચૂકી છે, ત્યારે ભારત અને વિન્ડિઝની ટીમ ટી-૨૦ વર્લ્ડ કપની ફાઈનલમાં ટકરાય તે ઈચ્છનીય છે. ભારત ૨૦૦૭ના વનડે વર્લ્ડ કપમાં બીજા રાઉન્ડમાં જ હારીને બહાર ફેંકાયું હતુ અને તેના કારણે અમને ફટકો પડ્યો હતો. અમે તેવું ફરી વખત થાય તેવું ઈચ્છતા નથી. ભારત્ અને વિન્ડિઝ વચ્ચે ફાઈનલ રમાય અને સારી ટીમ વિજેતા બને.
લારાએ કહ્યું કે, ભારતને બેટિંગ ઓર્ડરમા પરિવર્તન કરવું જોઈએ અને સૂર્યકુમારને T-૨૦ વર્લ્ડ કપમાં વન ડાઉન ઉતારવો જોઈએ. જો સૂર્યકુમાર જેવા ખેલાડીને ૧૦-૧૫ ઓવર રમવા મળે તો તમે વિચારી શકો છો કે તે શું કરી શકે છે. નોંધપાત્ર છે કે, ભારત સામાન્ય રીતે કોહલીને વન ડાઉન ઉતારે છે, જ્યારે સૂર્યકુમારને ચોથા ક્રમે બેટિંગમાં ઉતરવાની તક મળે છે.
વર્લ્ડકપ માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ૠષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ.
વર્લ્ડ કપ માટે વેસ્ટ ઈંડિઝની ટીમ
પોવેલ (કે), અલઝારી જોસેફ, જોહન્સન ચાલર્સ, ચેઝ, હેટમાયર, શેમાર જોસેફ, કિંગ, પૂરણ, હોપ, રસેલ, શેફર્ડ, હોલ્ડર, હોસેઈન, મોટી, રૂથરફોર્ડ.