
મોસ્કો, ભારત અને રશિયાની મિત્રતા ઘણા દાયકાઓ જૂની છે. બંને દેશોએ ઘણી વખત એકબીજાને મદદ કરી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઘણી વખત પ્રશંસા કરી છે. ફરી એકવાર તેમણે પીએમ મોદીના ખૂબ વખાણ કર્યા છે. તેમણે કહ્યું છે કે મોદીને ડરાવી શકાય નહીં.યુક્રેનમાં યુદ્ધ હોવા છતાં ભારતે રશિયન તેલની ખરીદીનો ઉલ્લેખ કરતા કહ્યું કે સૌથી પહેલા હું કહેવા માંગુ છું કે રશિયા અને ભારત વચ્ચે તમામ ક્ષેત્રોમાં સંબંધો સતત વિકસિત થઈ રહ્યા છે. અને તેનું કારણ વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની નીતિ છે. પુતિને સેન્ટ પીટર્સબર્ગમાં ‘રશિયા કોલિંગ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ’ દરમિયાન આ વાતો કહી.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કાર્યક્રમમાં વધુમાં કહ્યું કે હું કલ્પના પણ કરી શક્તો નથી કે મોદીને ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે અથવા ભારતીય હિત અને ભારતીય લોકો વિરૂદ્ધ કોઈપણ પગલાં કે નિર્ણય લેવા માટે દબાણ કરવામાં આવે. એવું દબાણ છે, મને ખબર છે. જોકે, મેં તેની સાથે આ વિશે ક્યારેય વાત નથી કરી. હું માત્ર બહારથી શું થઈ રહ્યું છે તે જોઉં છું. કેટલીકવાર ભારતીય લોકોની સુરક્ષાને લઈને તેમની કડકાઈથી મને આશ્ર્ચર્ય થાય છે. તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ બે વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકા સહિતના પશ્ર્ચિમી દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવી દીધા હતા. આ પછી પણ ભારતે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલની ખરીદી કરી છે.
યુક્રેનમાં યુદ્ધના લગભગ ૧૮ મહિના પછી, ઓગસ્ટ ૨૦૨૩ સુધીમાં રશિયાની ભારતમાં ક્રૂડ ઓઇલની નિકાસ દર મહિને ૬૦ મિલિયન બેરલની ટોચ પર છે. રશિયાની ક્રૂડ અને રિફાઈન્ડ ઓઈલની નિકાસમાં ભારતનો હિસ્સો લગભગ ચોથા ભાગનો છે. પીએમ મોદીના વખાણ કરતા રશિયન રાષ્ટ્રપતિ પુતિનનો ૪૫ સેકન્ડનો આ વીડિયો વાયરલ થયો છે. તેને અત્યાર સુધી હજારો વાર જોવામાં આવી છે