ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે ૮:૦૦ વાગ્યાથી રમાશે

આઇસીસી ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની શરૂઆત ૧ જૂનથી થઈ રહી છે અને તે ૨૯ જૂન સુધી રમાશે. આ વખતે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં આ ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન થઈ રહ્યું છે. ટી ૨૦ વર્લ્ડ કપની આ નવમી સિઝન છે અને તેમાં કુલ ૨૦ ટીમો ભાગ લઈ રહી છે. સૌથી પહેલા ૨૦૦૭માં ટી ૨૦ વર્લ્ડ કપ રમાયો હતો. જેને ભારતીય ટીમે ધોનીની કેપ્ટનશિપમાં જીત્યો હતો. ટી ૨૦ વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝની બોલબાલા રહી છે. વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ બે વખત ખિતાબ જીત્યો છે જ્યારે ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમો માત્ર એક જ વાર ખિતાબ જીતવામાં સફળ રહી છે.

આ વખતે યજમાન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા છે. જ્યાં ટી -૨૦ વર્લ્ડ કપની મેચો રમાશે.તમામ ૨૦ ટીમોને ૫-૫ના ૪ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપની ટોપ ૨ ટીમ સુપર ૮માં પહોંચશે. ત્યારબાદ ફરી ૮ ટીમોએ સુપર ૮ રાઉન્ડમાં મેચ રમવાની છે. સુપર ૮માં પણ ટીમોને ૪-૪ના બે ગ્રુપમાં રાખવામાં આવશે. સુપર ૮માં બંને ગ્રૂપની ટોપ ૨ ટીમો સેમિફાઈનલમાં પહોંચશે. બે સેમી ફાઈનલ મેચ રમાશે. ત્યારબાદ સેમિફાઈનલ મેચ જીતનારી ટીમો વચ્ચે ફાઈનલ મુકાબલો રમાશે.

આ વખતે ી ૨૦ વર્લ્ડ કપમાં ’સ્ટોપ ક્લોક’ નિયમનો ઉપયોગ કરવામાં આવશે, એટલે કે બોલિંગ કરનાર ટીમે એક ઓવર પૂરી થયાની ૬૦ સેકન્ડની અંદર જ બીજી ઓવર શરૂ કરવાની રહેશે. આ નિયમ પ્રમાણે દરેક ઈનિંગનો સમય ૧ કલાક ૨૫ મિનિટનો રહેશે અને ૨૦ મિનિટનો ઈન્ટરવલ રાખવામાં આવ્યો છે. વિશેષ પરિસ્થિતિને છોડીને મેચ ૩ કલાક ૧૦ મિનિટમાં ખતમ કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. જો ટી ૨૦ વર્લ્ડ કપની મેચ ટાઈ થશે તો સુપર ઓવર દ્વારા નિર્ણય લેવામાં આવશે. જો સુપર ઓવર પણ ટાઈ થાય તો ત્યાં સુધી સુપર ઓવર રમાશે જ્યાં સુધી મેચનો નિર્ણય ન આવી જાય. જો મેચ દરમિયાન વરસાદમાં પડે તો સૌ પ્રથમ ડકવર્થ-લુઈસ નિયમનો ઉપયોગ કરીને નિર્ણય લેવાનો પ્રયાસ કરવામાં આવશે.

ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઈનલ અને ફાઈનલ માટે ૧૯૦ મિનિટના વધારાના સમય ઉપરાંત વિશેષ સ્થિતિમાં રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. પરંતુ બીજી સેમિફાઈનલ માટે માત્ર ૨૫૦ મિનિટનો વધારાનો સમય રાખવામાં આવ્યો છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે બીજી સેમીફાઈનલ જીતનારી ટીમ બીજા દિવસે મેચ નહીં રમશે. કારણ કે ફાઈનલ ૨૯મી જૂને છે અને બીજી સેમીફાઈનલ મેચ ૨૭મી જૂને રમાશે. તેથી ૨૮ જૂનના રોજ ટીમ ટ્રાવેલ કરીને પોતાના વેન્યૂ પર પહોંચી શકે છે.

ભારતીય ટીમની મેચો ટી ૨૦ વર્લ્ડ કપમાં ભારતીય સમય અનુસાર રાત્રે ૮:૦૦ વાગ્યે શરૂ થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે ૮:૦૦ વાગ્યાથી રમાશે. આ ઉપરાંત પ્રથમ સેમિફાઈનલ ભારતીય સમય અનુસાર રાત્રે ૮:૦૦ વાગ્યે શરૂ થશે. જ્યારે ફાઈનલ મેચ સાંજે ૭:૩૦ વાગ્યાથી રમાશે.