ભારત અને પાકિસ્તાનની મેચ આઇસીસી ઈવેન્ટ જેવી નહોતી લાગતી,પાકિસ્તાનના ટીમ ડાયરેક્ટર

અમદાવાદ, ભારતે વનડે વિશ્ર્વકપમાં પાકિસ્તાન સામે તેની જીતનો સિલસિલો જાળવી રાખ્યો હતો અને ગઈકાલે અમદાવાદમાં રમાયેલી હાઈ વોલ્ટેજ મેચમાં પાકિસ્તાનને ૭ વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાનના ટીમ ડાયરેક્ટર મિકી આર્થર આ હારને પચાવી શક્યા નથી. તેણે મેચ બાદ બીસીસીઆઇ પર નિશાન સાધ્યું હતું. મિકીએ કહ્યું કે તે આઇસીસી ઇવેન્ટ જેવું લાગતું નથી. એવું લાગી રહ્યું હતું કે જાણે બીસીસીઆઇની કોઈ ઈવેન્ટ હોય.

ભારત સામે મેચ હાર્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ડાયરેક્ટર મિકી આર્થરે કહ્યું, “સાચું કહું તો, ભારત અને પાકિસ્તાનની મેચ આઇસીસી ઈવેન્ટ જેવી નહોતી લાગતી. એવું લાગી રહ્યું હતું કે જાણે દ્વિપક્ષીય શ્રેણીની આ મેચ રમાઈ રહી હોય. એવું લાગી રહ્યું હતું કે આ બીસીસીઆઇની ઇવેન્ટ છે. મેં માઈક્રોફોનમાંથી વારંવાર દિલ-દિલ પાકિસ્તાન સાંભળ્યું નથી. તેથી આ બાબતોની અસર મેચના પરિણામ પર પડે છે પરંતુ હું તેનો બહાના તરીકે ઉપયોગ કરવા માંગતો નથી.’

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ રોમાંચક હશે એવું માનવામાં આવતું હતું પરંતુ એવું થયું નહીં. ભારતે પાકિસ્તાનને એક્તરફી રીતે ૭ વિકેટે હરાવ્યું હતું. જ્યારે મિકી આર્થરને પૂછવામાં આવ્યું કે શું વનડે વિશ્ર્વમાં પક્ષપાતી વાતાવરણ હોવું યોગ્ય છે અને તેને મંજૂરી આપવી જોઈએ? આના પર તેણે કહ્યું કે મને નથી લાગતું કે હું ક્યારેય આ અંગે ટિપ્પણી કરી શકું. હું દંડનો ભોગ બનવા માંગતો નથી.

પાકિસ્તાન ક્રિકેટ ટીમના હેડ કોચ ગ્રાન્ટ બ્રેડબર્ને પણ કંઈક આવું જ કહ્યું હતું. બ્રેડબર્ને કહ્યું, “સ્વાભાવિક રીતે આવું જ થવાનું હતું. અમે ખરેખર દુખી છીએ કે અમારા ચાહકો અહીં આવી શક્યા નથી. તેઓને વિઝા મળ્યા નથી. તેઓને અહીં આવવું ગમશે અને મને ખાતરી છે કે ભારતીય ક્રિકેટ ચાહકો પણ અમારા ફેન્સને પસંદ કરશે. સાચું કહું તો, આ મેચમાં વર્લ્ડ કપ મેચ જેવું કંઈ જ લાગ્યું ન હતું.