ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે મેચ રદ્દ, ન્યૂઝીલેન્ડ સિરીઝમાં ૧-૦થી આગળ

હેમિલ્ટન,

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે મેચ વરસાદના કારણે રદ્દ થઈ છે. હેમિલ્ટનના હવામાનના કારણે મેચ ૧૨.૫ ઓવરથી આગળ વધી શકી નહિ. ટોસ હારી ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરી હતી. જ્યાં ભારતે મેચ રદ્દ થતા પહેલા ૧ વિકેટનું નુક્સાને ૮૯ રન બનાવ્યા હતા. વરસાદના કારણે મેચની ઓવર પણ ઘટાડવામાં આવી હતી. શિખર ધવન અને શુભમન ગિલની ઓપનિંગ જોડીએ ૪.૫ ઓવરમાં ૨૨ રન બનાવ્યા હતા, પરંતુ વરસાદે રમત બગાડી હતી. આ પછી મેચ ફરી શરૂ થઈ અને રમતને ૨૯-૨૯ ઓવરની કરી દેવામાં આવી.

બીજી વખત મેચ શરૂ થયા બાદ ધવન ૩ રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ગિલ અને સૂર્યકુમાર યાદવે ભારતીય દાવને આગળ ધપાવ્યો હતો. ગિલ ૪૫ રન અને સૂર્યા ૩૪ રન બનાવીને અણનમ રહ્યા હતા. બંનેએ શાનદાર બેટિંગ કરી હતી, પરંતુ ફરી વરસાદ પડ્યો અને લાંબી રાહ જોયા બાદ મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

ન્યૂઝીલેન્ડે ઓકલેન્ડમાં રમાયેલી સિરીઝની પ્રથમ મેચ ૭ વિકેટે જીતી લીધી હતી અને સિરીઝમાં ૧-૦ની સરસાઈ મેળવી હતી. હેમિલ્ટનમાં ભારત પાસે સિરીઝ બરોબરી કરવાની તક હતી, પરંતુ વરસાદે તેમની રાહ લંબાવી હતી. મેચમાં થોડીવાર માટે વરસાદ બંધ થઈ ગયો હતો, ત્યારબાદ મેચને ૨૯-૨૯ ઓવરની કરી દેવામાં આવી હતી, પરંતુ ગિલ અને ધવન તેમની ઈનિંગ ચાલુ રાખે તે પહેલા જ વરસાદ ફરી શરૂ થઈ ગયો હતો.

આ મેચથી સ્પષ્ટ થઈ ગયું છે કે શિખર ધવનની આગેવાની હેઠળની ટીમ પાસે સિરીઝ જીતવાની કોઈ તક નથી, પરંતુ તેની પાસે હજુ પણ સિરીઝમાં હાર ટાળવાની તક છે, પરંતુ આ મેચ હારવાની અસર ટીમ પર પડશે.

બીજી વનડેમાં ભારતે તેની પ્લેઈંગ ઈલેવનમાં ૨ ફેરફાર કર્યા છે. શાર્દુલ ઠાકુરની જગ્યાએ દીપક ચહર અને સંજુ સેમસનની જગ્યાએ દીપક હુડ્ડાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. છેલ્લી મેચમાં ઠાકુર ઘણો મોંઘો સાબિત થયો હતો જ્યારે સેમસને ૩૮ બોલમાં ૩૬ રન ફટકાર્યા હતા. હેમિલ્ટનમાં ગિલે ૨૧ બોલમાં ૧૯ રન બનાવ્યા હતા, જેમાં ૩ ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે ધવને ૮ બોલનો સામનો કરીને ૨ રન બનાવ્યા હતા. બંનેએ છેલ્લી મેચમાં અડધી સદીની ઇનિંગ્સ રમી હતી.