મોદી સરકારે આજે એક મોટી જાહેરાત કરતાં ભારત અને મ્યાનમાર વચ્ચે મુક્ત અવરજવર પ્રણાલીને નાબૂદ કરી દીધી છે. મહત્વનું છે કે, ફ્રી મૂવમેન્ટ સિસ્ટમ આંતરરાષ્ટ્રીય સરહદની બંને બાજુએ રહેતા લોકોને વિઝા વિના એકબીજાના પ્રદેશના 16 કિલોમીટરની અંદર મુસાફરી કરવાની મંજૂરી આપે છે.
ભારત સરકારે મ્યાનમાર સરહદ પર વાડ બાંધવાની જાહેરાત કર્યાના થોડા દિવસો બાદ સરકારે ભારત અને મ્યાનમાર વચ્ચે મુક્ત અવરજવરની વ્યવસ્થા સમાપ્ત કરી દીધી છે. દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને મ્યાનમારની સરહદે આવેલા ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોની વસ્તી વિષયક માળખું જાળવી રાખવા માટે આ વ્યવસ્થાને નાબૂદ કરવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે X પર કહ્યું કે, PM મોદીનો સંકલ્પ છે કે,આપણી સરહદો સુરક્ષિત હોવી જોઈએ. તેથી ગૃહ મંત્રાલયે નિર્ણય લીધો છે કે, દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ઉત્તર-પૂર્વીય રાજ્યોની વસ્તી વિષયક માળખું જાળવવા માટે આ સિસ્ટમને નાબૂદ કરવામાં આવશે. આ નિર્ણય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનના બે દિવસ પછી આવ્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે,ભારત મ્યાનમાર સાથેની સમગ્ર 1,643 કિલોમીટર લાંબી સરહદ પર વાડ કરશે અને સુરક્ષા દળો માટે પેટ્રોલિંગ ટ્રેક પણ બનાવશે.
મહત્વનું છે કે, મણિપુરમાં કુકીઓ (જેમને મ્યાનમારના ચિન રાજ્યના સમુદાયો સાથે વંશીય સંબંધો છે) અને બહુમતી મેતૈઈ વચ્ચે વંશીય હિંસાની ઘટનાઓ પછી આ જાહેરાત કરવામાં આવી છે. સરહદ પર વાડ લગાવવી એ ઇમ્ફાલ ખીણના મેતૈઈ જૂથોની વારંવાર માંગ છે, જેઓ આરોપ લગાવતા રહ્યા છે કે,આદિવાસી આતંકવાદીઓ વારંવાર ખુલ્લી સરહદ દ્વારા ભારતમાં પ્રવેશ કરે છે. મેતૈઈ જૂથો એવો પણ આક્ષેપ કરે છે કે, વાડ વિનાની આંતરરાષ્ટ્રીય સરહદનો લાભ લઈને ભારતમાં ડ્રગ્સની દાણચોરી કરવામાં આવી રહી છે.
નોંધનિય છે કે, ભારતના ચાર રાજ્યો અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ – મ્યાનમાર સાથે 1,643 કિલોમીટર લાંબી સરહદ વહેંચે છે. તમને જણાવી દઈએ કે, ફેબ્રુઆરી 2021માં પાડોશી દેશ મ્યાનમારમાં સૈન્ય બળવા બાદ તેના 31,000 થી વધુ લોકોએ મિઝોરમમાં શરણ લીધી હતી. આમાંના મોટાભાગના લોકો ચિન રાજ્યના છે. ઘણા લોકોએ મણિપુરમાં પણ આશરો લીધો છે. ગયા વર્ષે ભારત સાથેની આંતરરાષ્ટ્રીય સરહદે તૈનાત મ્યાનમારના ડઝનેક સૈનિકો પણ મિઝોરમમાં મિઝોરમ ભાગી ગયા હતા અને મિલિશિયા જૂથ પીપલ્સ ડિફેન્સ ફોર્સ (PDF) સાથે ભીષણ ગોળીબાર થયા હતા. બાદમાં તેને તેના દેશ પરત મોકલી દેવામાં આવ્યા હતા.