નવીદિલ્હી, ભારત અને ગ્રીસ બુધવારે શસ્ત્રોના સંયુક્ત ઉત્પાદન અને વિકાસ માટે સંમત થયા છે. નરેન્દ્ર મોદી અને ગ્રીસના વડાપ્રધાન કિરીઆકોસ મિત્સોતાકીસની વાટાઘાટમાં મોબિલિટી અને માઇગ્રેશન કરારને મજબૂત કરવાનો નિર્ણય લીધો હતો.
મોદીએ જણાવ્યું હતું કે, ’આતંકવાદ સામેની લડતમાં બંને પક્ષની ચિંતા અને પ્રાથમિક્તા સમાન છે. જેમાં દ્વિપક્ષીય સહયોગ વધુ દ્રઢ કરવા વિસ્તૃત ચર્ચા થઈ હતી.
મિત્સોતાક્સિ ભારતના બે દિવસના પ્રવાસે છે. તેમને ’રાઇસીના ડાયલોગ’માં ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ અપાયું છે. મોદીએ જણાવ્યું હતું કે, ’મિત્સોતાક્સિ સાથે મેં ઘણા પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દે ચર્ચા કરી હતી. અમે સંવાદ અને કૂટનીતિ દ્વારા તમામ વિવાદ અને તણાવના ઉકેલ માટે સંમત થયા હતા.ભારત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ગ્રીસની સક્રિય અને હકારાત્મક ભૂમિકાને આવકારે છે. યુરોપિયન દેશ આ પહેલમાં જોડાયો એ બદલ અમે ખુશ છીએ.’
ગયા વર્ષે મોદીએ ઓગસ્ટમાં ગ્રીસની મુલાકાત લીધી ત્યારે બંને દેશ વચ્ચે ’વ્યૂહાત્મક ભાગીદારી’ને વેગ મળ્યો હતો.બંને પક્ષે ફાર્મા, મેડિકલ સાધનો, ટેક્નોલોજી, ઇનોવેશન, સ્કિલ ડેવલપમેન્ટ, કૃષિ અને અંતરિક્ષ સહિતના ક્ષેત્રોમાં સહકાર વધારવાની ચર્ચા કરી હતી. મોદીએ જણાવ્યું હતું કે, ’અમે સંરક્ષણ, સાયબર સિક્યોરિટી, આતંકવાદ સામેની લડત, મેરિટાઇમ સુરક્ષા સહિતની બાબતોમાં પરસ્પર સહયોગ વધારી શકીશું.’