ભારત અને અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી તરફ આગળ વધી રહ્યા છે, રાજનાથ સિંહ

ભારત અને અમેરિકા હવે વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી તરફ આગળ વયા છે. મતલબ કે આવનારા સમયમાં ભારત અને અમેરિકા સાથે મળીને વિશ્વની દિશા નક્કી કરશે. વિશ્વના બે સૌથી મોટા લોકશાહી દેશો વચ્ચેની આ ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે વોશિંગ્ટનની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે બે મોટા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સિંઘ બંને દેશો વચ્ચે વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે યુએસની મુલાકાતે છે.

ગુરુવારે હસ્તાક્ષર કરાયેલા કરાર સપ્લાય ઓફ સિક્યોરિટી એરેન્જમેન્ટ્સ અને લાયઝન ઓફિસર્સની નિમણૂક અંગેના એમઓયુને લગતા છે. રક્ષા મંત્રાલયે શુક્રવારે ’એકસ’ પર એક પોસ્ટમાં ઇવેન્ટની કેટલીક તસવીરો શેર કરતા કહ્યું, રક્ષા મંત્રી રાજનાથ સિંહની અમેરિકા મુલાકાત દરમિયાન વોશિંગ્ટનમાં બે મહત્વપૂર્ણ દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને પક્ષોના વરિષ્ઠ સંરક્ષણ અધિકારીઓએ સપ્લાય માટે સુરક્ષા વ્યવસ્થા અને લાયઝન ઓફિસર્સની નિમણૂક અંગેના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.

પીએમ મોદીના અમેરિકા પ્રવાસ બાદથી બંને દેશોની મિત્રતા ગાઢ બની રહી છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એસઓએસએ કરાર દ્વારા, યુએસ અને ભારત રાષ્ટ્રીય સુરક્ષાને પ્રોત્સાહન આપતી ચીજવસ્તુઓ અને સેવાઓ માટે પરસ્પર પ્રાથમિક્તા સહાય પૂરી પાડવા માટે સંમત થયા છે. આ હેઠળ, બંને દેશો રાષ્ટ્રીય સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવા માટે અણધારી સપ્લાય ચેઇન વિક્ષેપોને ઉકેલવા માટે એકબીજા પાસેથી જરૂરી ઔદ્યોગિક સંસાધનો મેળવી શકશે.

એસઓએસએ પર યુએસ વતી સંરક્ષણ વિભાગના મુખ્ય નાયબ સહાયક સચિવ ડૉ. વિક રામદાસ અને સંરક્ષણ મંત્રાલય વતી અધિક સચિવ અને મહાનિર્દેશક (એક્વિઝિશન) સમીર કુમાર સિંહાએ હસ્તાક્ષર કર્યા હતા. રામદાસે જણાવ્યું હતું કે, “આ કરારો યુએસ અને ભારત વચ્ચેના મુખ્ય સંરક્ષણ સંબંધોમાં એક મહત્વપૂર્ણ કડીનું પ્રતિનિધિત્વ કરે છે અને યુએસ-ભારત સંરક્ષણ ટેકનોલોજી અને વેપાર પહેલ (ડીટીટીઆઈ)ને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ પરિબળ હશે.