ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો સંરક્ષણ સોદો થઈ શકે છે, એલએસી અને હિંદ મહાસાગરમાં સુરક્ષાની ગોઠવણ કરવામાં આવશે

નવીદિલ્હી,

ભારત અને અમેરિકા વચ્ચે ૩ બિલિયન ડોલરનો મહત્વનો સંરક્ષણ સોદો ટૂંક સમયમાં થઈ શકે છે. જણાવી દઈએ કે આ ડીલ હેઠળ ભારતને અમેરિકા પાસેથી ૩૦ એમકયુ ૯ બી પ્રીડેટર ડ્રોન મળવાના છે. આ ડીલ સાથે, ભારતની એલએસી અને હિંદ મહાસાગરની દેખરેખ ક્ષમતામાં વધારો થશે અને સુરક્ષાને સુનિશ્ર્ચિત કરવામાં આવશે. આ ડીલને લઈને બંને દેશો વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી વાતચીત ચાલી રહી છે.

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ અમેરિકાના પ્રવાસે છે અને તેમણે અમેરિકન અધિકારીઓ અને ત્યાંના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન સાથે ડીલ અંગે વાતચીત પણ કરી છે.

યુએસ પોલિટિકલ ડિફેન્સ અફેર્સના હેડ જેસિકા લુઈસને જ્યારે આ ડીલ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે અમે આ ડીલ માટે પાંચ વર્ષથી વાટાઘાટો કરી રહ્યા છીએ અને હવે બોલ ભારતના કોર્ટમાં છે. જોકે, તેમણે આ ડીલ અંગે વધુ વિગતો આપવાનો ઇન્કાર કર્યો હતો. અહેવાલ છે કે ભારત અને અમેરિકા બંને ઇચ્છે છે કે આ ડીલને વહેલી તકે ફાઇનલ કરવામાં આવે જેથી કરીને પ્રિડેટર ડ્રોન ભારતને જલ્દીથી સપ્લાય કરી શકાય. અમેરિકાની બિડેન સરકાર પણ આ ડીલને જલ્દી ફાઈનલ કરવા માંગે છે કારણ કે આ ડીલથી અમેરિકામાં રોજગાર વધશે અને તેની સરકાર પણ આ ડીલને તેની સિદ્ધિ તરીકે રજૂ કરવા માંગે છે જેથી આવતા વર્ષની ચૂંટણીમાં તેનો લાભ લઈ શકાય.

ભારતના ત્રણેય દળોને ૧૦-૧૦ પ્રિડેટર ડ્રોન મળવાના છે. પ્રિડેટર ડ્રોનની ખાસિયત એ છે કે તેઓ કોઈપણ સ્થિતિમાં નજર રાખવાની ક્ષમતા ધરાવે છે. આ ડ્રોન લાંબા સમય સુધી આકાશમાં ઉડી શકે છે. ખાસ વાત એ છે કે આ ડ્રોન દિવસ-રાત નજર રાખી શકે છે અને પેલોડ સાથે પણ ઉડી શકે છે. આ ડ્રોનમાં લગાવવામાં આવેલા ૩૬૦-ડિગ્રી કેમેરાથી તમે સમુદ્ર, આકાશ અને જમીન પર નજર રાખી શકો છો. એઆઇ અને મશીન લનગ ટેક્નોલોજીથી સજ્જ આ ડ્રોન ડેટાની સમીક્ષા પણ કરી શકે છે અને તેને અલગ-અલગ જગ્યાએ વિતરિત પણ કરી શકે છે જેથી કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક પગલાં લઈ શકાય. સર્વેલન્સની સાથે રાહત અને બચાવ કાર્યમાં પણ આ ડ્રોનની મદદ લઈ શકાય છે.

એલએસી પર તણાવ અને હિંદ મહાસાગરમાં ચીનના વધતા પ્રભાવ વચ્ચે ભારતે વર્ષ ૨૦૧૭માં આ ડ્રોનની ખરીદી માટે વાટાઘાટો શરૂ કરી હતી અને હવે ટૂંક સમયમાં આ ડીલ ફાઇનલ થવાની આશા છે. આ એમકયુ-૯બી પ્રિડેટર ડ્રોનની મદદથી ભારતની સર્વેલન્સ ક્ષમતામાં જબરદસ્ત વધારો થશે.