ભારત ૨૦૩૬ ઓલિમ્પિકના આયોજન માટે તૈયાર : અનુરાગ ઠાકુર

નવીદિલ્હી,

શું ભારત ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા તૈયાર છે? એવું જ લાગે છે. કારણ કે જો આવું ન થયું હોત તો રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે આપેલા ઈન્ટરવ્યુમાં એવું ન કહ્યું હોત કે ભારત ૨૦૩૬ ઓલિમ્પિકની યજમાની કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે સપ્ટેમ્બર ૨૦૨૩માં ભારત આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ સમક્ષ તેનો રોડમેપ રજૂ કરશે. તમને જણાવી દઈએ કે આવતા વર્ષે સપ્ટેમ્બરમાં મુંબઈમાં આઇઓસી બેઠક યોજાવા જઈ રહી છે, જ્યાં ભારત હોસ્ટિંગને લઈને પોતાનો પ્લાન રાખી શકે છે.

અનુરાગ ઠાકુરે કહ્યું કે, સરકાર યજમાનીને લઈ બોલી લગાવવા માટે ભારતીય ઓલિમ્પિક સંધની સંપુર્ણ મદદ કરશે. ગુજરાતનું અમદાવાદ શહેર યજમાન શહેર હશે. ઠાકુરે કહ્યું કે, ભારતની પાસે ૧૯૮૨ના એશિયન ગેમ્સ અને ૨૦૧૦માં કોમનવેલ્થ ગેમની યજમાનીનો અનુભવ છે અને હવે આ લિસ્ટમાં ૨૦૩૬ના સમર ઓલિમ્પિક્સનું નામ જોડાઈ શકે છે.

ભારતીય રમત ગમત મંત્રીના જણાવ્યા મુજબ ભારત જો ઝી ૨૦ પ્રેસીડન્સીની યજમાની કરી શકે છે તો તેને સંપુર્ણ ભરોસો છે કે, સરકાર આઇઓએ સામે ઓલિમ્પિક રમતની યજમાનીને લઈ પોતાની વાત રજુ કરી શકે છે. તેમનું માનવું છે કે, ૨૦૩૨ ઓલિમ્પિક સુધીના સ્લોટ ભલે ફાઈનલ હોય પરંતુ ૨૦૩૬ અમારા માટે દરવાજા ખુલ્લા છે અને ભારત યજમાની માટે પોતાનો દાવો રજુ કરવા માટે તૈયાર છે.

ઠાકુરે આ જવાબ ત્યારે આપ્યો જ્યારે તેમને ૨૦૩૬ ઓલિમ્પિકને લઈ સવાલ થયા. તેમણે કહ્યું હા ભારત યજમાનીનો દાવો કરવા માટે સંપુર્ણ તૈયાર છે. ત્યારે એવું કોઈ કારણ નથી કે, જેનાથી અમે આ ન કરી શકીએ. જો આપણે રમતગમતને પ્રોત્સાહન આપતા રહીશું તો ચોક્કસપણે ઓલિમ્પિકનું મજબૂત આયોજન કરી શકીશું. આ યોગ્ય સમય પણ છે. જો ભારત દરેક ક્ષેત્રે ચર્ચાઓમાં છે તો રમતગમતમાં કેમ નથી. અમે ૨૦૩૬ ઓલિમ્પિક તરફ ખૂબ જ ગંભીરતાથી જોઈ રહ્યા છીએ.

તેમણે કહ્યું- ગુજરાતે ઘણી વખત ઓલિમ્પિકની યજમાની કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમની પાસે હોટલ, હોસ્ટેલ, એરપોર્ટ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી લઈને તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. ગુજરાતમાં ઓલિમ્પિકનું આયોજન કરવા માટે રાજ્ય સરકારના મેનિફેસ્ટોનો પણ એક ભાગ છે.