ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ મચી રહી છે. હજી તો એપ્રિલ મહિનાની ગરમી શરૂ જ થઈ છે. ત્યાં ગુજરાતમાં કમોસમી વરસાદ આવી ગયો છે. એપ્રિલ મહિનાની શરૂઆતથી ગુજરાતના વાતાવરણમાં મોટા પલટા આવી રહ્યાં છે.વરસાદ, ગરમી, વરસાદનું આવનજાવન ચાલુ જ છે. ત્યારે ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ પલટાયું છે. આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ ત્રાટક્યો હતોે. સુરત, વલસાડ, તાપી, ભાવનગર જિલ્લાઓમાં કમોસમી માવઠું આવ્યું છે. જોકે, માવઠાને પગલે ગુજરાતના આ શહેરોના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો ગરમીનો પારો નીચે ગયો છે. પરંતું બીજી તરફ, માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
સુરત જિલ્લામાં એકાએક કમોસમી વરસાદી ઝાપટા સાથે વરસાદ મહેમાન બન્યો છે. સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.સુરતના માંડવી, ઉમરપાડા અને ઓલપાડ તાલુકાના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું આવ્યું હતું. માવઠાને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. માંડવી તાલુકામાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.
વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો.વલસાડ શહેર સહિત આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદ આવ્યો હતો.વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે. કમોસમી વરસાદના કારણે વલસાડ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને કેરી પકવતા ખેડૂતોને મોટું ટેન્શન ચઢ્યું છે. કમોસમી વરસાદથી કેરીના પાકમાં મોટું નુક્સાન થવાની ભીતિ છે. લગ્નગાળો હોવાથી વલસાડમાં પણ ઘણા લગ્ન પ્રસંગ છે. ધરમપુર તાલુકા ખાતે કમોસમી વરસાદના કારણે ઘણાં લગ્નમાં વિધ્ન આવ્યુ છે. કમોસમી વરસાદના કારણે ઘણાં લગ્ન મંડપ ખરાબ થયા છે.
તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી માવઠું આવ્યું છે. વહેલી સવારથી વાલોડ, વ્યારા, ડોલવણ સહિતના વિસ્તારોમાં કમોસમી માવઠું આવ્યું છે. વ્યારા શહેરના મિશન નાકા, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં ઝરમર ઝરમર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કમોસમી માવઠાને લઈ વાતવરણમાં ઠંડક વધી છે, તો સાથે જ ખેડૂતોની ચિંતા વધી છે. માવઠાને લઈ કેરી અને ઉનાળુ પાક પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
સૌરાષ્ટ્ર પંથકમાં ભાવનગરના વાતાવરણમાં અચાનક ફેરફાર આવ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં વહેલી સવારે ઝરમર વરસાદ થયો હતો.મસ્તરામબાપા મંદિર, ચિત્રા યાર્ડ, આખલોલ જગાતનકા, નારી ચોકડી, વરતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે. તો શહેરના અંતરિયાળ વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો.ઝરમરીયો વરસાદ શરૂ થતાં ઉનાળાની ગરમીથી અગાશીમાં સૂતા લોકોની ઊંઘમાં ખલેલ પહોંચી હતી.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આવતીકાલથી ૨૭ એપ્રિલથી થી ૨૯ એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બંગાળના ઉપસાગરને ભેજ અને અરબ સાગરનો ભેજના કારણે પ્રિ-મો્સુન એક્ટિવિટીની શરૂઆત થઈ છે. જોકે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે. તારીખ ૨૮-૨૯ એપ્રિલ દરમિયાન મય ગુજરાતમાં વડોદરા આણંદ ભાગોમાં મહત્તમ તાપમાન ૪૩ થી ૪૪ ડિગ્રી રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમી વધશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી ૪૧ ડિગ્રી કે તેથી વધુ ગરમી રહેશે. તો કચ્છમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી તાપમાન રહેશે. જૂનાગઢમાં ગરમી ૪૧ ડિગ્રી, અમરેલી અને ભાવનગરમાં ૩૮ થી ૪૦ ડિગ્રીએ પહોંચી જશે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ ગરમીનું પ્રમાણ વધશે. વિદર્ભના ભાગોમાં ગરમીના કારણે મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોમાં ગરમી વધશે. આહવા, ડાંગ અને વલસાડમાં ગરમી રહેશે. મે માસની શરૂઆતમાં ફરી એકવાર કમોસમી વરસાદ દસ્તક આપશે. દેશના ઘણા ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી થશે. જેથી ગરમીનો પારો ફરી નીચે જશે.