- વેત્રવતી (વાત્રક) નદીના તટે પ્રકૃતિની ગોદમાં શિક્ષણ, સંસ્કાર અને જીવન મૂલ્યોના સમન્વયથી થાય છે બાળકોનું સંપૂર્ણ ઘડતર
- પ્રકૃતિમય વાતાવરણમાં પરંપરાગત સાથે આધુનિક શિક્ષણનો સંગમ : ક્ધયા સાક્ષરતાની સંતૃપ્તિ અને ઝીરો ડ્રોપ આઉટ રેશિયો.
ખેડા જીલ્લાના ઉત્કંઠેશ્ર્વર મહાદેવ નજીક વેત્રવતી (વાત્રક) નદીના કાંઠે કપડવંજ તાલુકાની નવાબોભા પ્રાથમિક શાળામાં બાળકો પ્રકૃતિમય વાતાવરણમાં શિક્ષણ, સંસ્કાર અને જીવન મૂલ્યોના પાઠ શીખે છે. ભણતર, ગણતર અને પ્રકૃતિ જતન-સંવર્ધનનો આ શાળામાં અનોખો સંગમ જોવા મળે છે.
નવાબોભા પ્રાથમિક શાળાની તમે મુલાકાત લેશો, તો કોઈ સામાન્ય શાળાની જેમ અહીં ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહીં જોવા મળે, લીલોતરીની ચાદર ઓઢેલી આ શાળામાં પ્રકૃતિ દર્શન અને નૈસર્ગિક વાતાવરણની અનુભૂતિ થશે. અહીં જ્યાં જુઓ ત્યાં વિવિધ પ્રકારના વૃક્ષો, પક્ષીઓનો કલરવ અને નિરવ શાંતિની હાજરી છે. જાણે કે, કુદરતની સમક્ષ જ આવી ગયા હોય !
ઉત્કંઠેશ્ર્વરથી માત્ર બે કિલોમીટરના અંતરે આવેલી આ શાળામાં શિક્ષણની સાથે સંસ્કાર, પ્રકૃતિ પ્રેમ અને મૂલ્ય શિક્ષણ થકી બાળકોના સંપૂર્ણ જીવન ઘડતરની કેડી કંડારવામાં આવે છે. બાળકોમાં પ્રારંભથી જ પર્યાવરણનું જતન અને સંવર્ધનના ગુણો કેળવાય તે માટે શાળામાં પ્રકૃતિ જતન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ શાળામાં બાળકો દરેક છોડને દત્તક લઈને તેનો ઉછેર કરે છે. આ હરિયાળી શાળામાં પચાસ જેટલા માળા તો પક્ષીઓના નિવાસ માટે રાખવામાં આવ્યા છે. પક્ષીઓને દરરોજ ચણ અને પાણી મળી રહે તે માટે અલાયદા કુંડા પણ રાખવામાં આવ્યા છે. બાળકો પોતાના જન્મદિને ચોકલેટ કે કેક નહીં, પરંતુ પક્ષીઓને ચણ આપીને જન્મદિવસની ઉજવણી કરે છે. ગામમાં કે આસપાસ ઘાયલ પક્ષીઓની સારવાર પણ અહીં પશુ ચિકિત્સકો દ્વારા કરવામાં આવે છે.
આ પ્રાથમિક શાળાની વિશેષ વાત એ છે કે, અહીં દરેક તહેવારની ઉજવણી પ્રકૃતિ સાથે જોડીને કરવામાં આવે છે. જેમ કે, રક્ષાબંધનની ઉજવણી શાળામાં વૃક્ષને રાખડી બાંધીને, શાળા સ્થાપના દિવસની ઉજવણી વર્ષની સંખ્યા મુજબ રોપાનું વાવેતર કરીને, નવરાત્રીની ઉજવણી પ્રકૃતિ જતનની થીમ પર ગરબાનું આયોજન કરીને તેમજ પર્યાવરણ દિવસની ઉજવણી નજીકના જંગલમાં જઈને કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રકૃતિ શિક્ષણ, વન્ય પ્રાણી રક્ષણ જેવી શિબિરોનું પણ આયોજન કરવામાં આવે છે.
અહીં પ્રકૃતિ પ્રેમ સાથે આધુનિકતાનો સમન્વય પણ જોવા મળે છે. ક્ધયા કેળવણીની સો ટકા સંતૃપ્તિ અને ઝીરો ડ્રોપ આઉટ રેશિયો શાળાની સફળતાની ચાડી ખાય છે. ધો. 1 થી ધો. 8 ના વર્ગો ધરાવતી આ શાળામાં કુલ 140 વિદ્યાર્થીઓ પૈકી 90 વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી છે. જે ગ્રામજનોની ક્ધયા કેળવણી અને ક્ધયા સાક્ષરતાની જાગૃતિનું જીવંત ઉદાહરણ છે. તદુપરાંત શાળામાં લાયબ્રેરી, બાળકો માટે વાંચન કોર્નર, અદ્યતન કોમ્પ્યુટર લેબ પણ કાર્યરત છે.
શાળાના મુખ્ય આકર્ષક દરવાજાના નિર્માણમાં ગામની દૂધ મંડળીનો તેમજ એક વર્ગખંડના નિર્માણ માટે ખાનગી કંપનીનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. આ સાથે જ દાતાઓના સહયોગથી વર્ષ દરમિયાન અનેક વખત બાળકોને તિથિ ભોજનનો પણ લાભ મળે છે.
આધુનિકતા સાથે પરંપરા અને પ્રકૃતિનો દુર્લભ સમન્વય શાળાના કર્મઠ આચાર્ય અને નિષ્ઠાવાન શિક્ષકોની મહેનતના કારણે શક્ય બન્યો છે. હવે તમે જ કહો, છે ને રસપ્રદ અને અનોખી શાળા !