
માનવ તસ્કરી કરતી ટોળકી તપાસ એજન્સીઓના રડાર પર ન આવે તે માટે ભંગારના વેપારી બનીને રહેતા હતા. ભંગારના કન્ટેનરનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રોહિંગ્યાઓને વિવિધ રાજ્યોમાં લઈ જવામાં આવતા હતા. એનઆઈએએ ગેંગ લીડરની પૂછપરછ દરમિયાન આ ખુલાસો કર્યો છે.
સૂત્રો મુજબ થોડાક દિવસો પહેલાં એનઆઈએએ માનવ તસ્કરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. જેમાં તપાસમાં ખુલાસો થયો કે બાંગ્લાદેશના ગેરકાયદે રોહિંગ્યા મુસ્લિમોને હરિયાણા, રાજસ્થાન, તેલંગાણા, બંગાળ, આસામ, પુડુચેરી, તમિલનાડુ, કર્ણાટક, જમ્મુ-કાશ્મીર અને ત્રિપુરા લઈ જવાયા હતા. ગેંગનો મુખ્ય સૂત્રધાર સાઉદી ઝાકિર કેરળના કોચીમાંથી ઝડપાયો હતો. ધરપકડ પહેલાં એનઆઈએએ સાઉદી ઝાકીરના ઘરની તપાસ કરી હતી. જે બાદ તે ફરાર થઈ ગયો હતો.
નોંધનીય છે કે એનઆઈએને કર્ણાટકના કેટલાક લોકો આસામ, ત્રિપુરા અને સરહદ પારના દેશોમાં સુત્રધારો અને માનવ તસ્કરી સાથે સંબંધ ધરાવતા લોકો વિશેની કેટલીક વિશ્વસનીય માહિતી મળી હતી. જે બાદ 7 નવેમ્બરે માનવ તસ્કરીનો કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસ કરતાં એક પછી એક ખુલાસાઓ થયા હતા. ગેરકાયદે સરહદ પારથી બાંગ્લાદેશના રોહિંગ્યાઓને ભારતમાં પ્રવેશ આપવામાં આવતો હતો.
સૂત્રોએ જણાવ્યું કે ઝાકિરે કહ્યું કે તે પોતે બાંગ્લાદેશી રોહિંગ્યા છે. તે માનવ તસ્કરી ગેંગની મદદથી બાંગ્લાદેશની બેનાપોલ બોર્ડરથી ભારત આવ્યો હતો. તેણે કર્ણાટકના બેંગલુરુમાં ભંગારનો ધંધો શરૂ કર્યો. અહીં તેણે ગેરકાયદે રોહિંગ્યાઓને રાખ્યા, તેમના નકલી દસ્તાવેજો બનાવ્યા. આ પછી તેણે માનવ તસ્કરી શરૂ કરી. ઝાકિર ધરપકડ કરાયેલો 11મો વિદેશી નાગરિક હતો.