સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના લીંબડીમાં મામાના હાથે ભાણેજની હત્યા થતા ચકચાર મચી છે. ભાણેજ દ્વારા મામીની મશ્કરી કરાતા ઉશ્કેરાયેલા મામાએ કાતર વડે ભાણેજ પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા ભાણેજને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મોત થતા હુમલાનો બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસે આ મામલે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના નાના વાસ વિસ્તારમાં રહેતા ૧૮ વર્ષના વિકાસભાઈ વિનોદભાઈ ચાવડા પર સામાન્ય વાતમાં બોલાચાલી દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. બાદમાં આ યુવાનને લોહીલુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલ લઈ જવાયા બાદ એની હાલત નાજુક જણાતા ફરજ પરના હાજર તબીબે એને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.
જ્યાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ૧૮ વર્ષના વિકાસભાઈ વિનોદભાઈ ચાવડાનું સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત નીપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. બાદમાં સામાન્ય હુમલાનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ ઘટના બાબતે ઘટના સ્થળે દોડી ગયેલી લીંબડી પોલીસે હત્યા અંગેનો ગુન્હો દાખલ કરી આ કેસના હત્યારાઓને ઝબ્બે કરવાની કાર્યવાહી સહીત વધુ તપાસ હાથ ધરી છે.
લીંબડીના ખાક ચોક વિસ્તારમાં જાહેરમાં યુવકની હત્યાની ઘટના સામે આવી છે. જેમાં લીંબડીમાં ૧૮ વર્ષના યુવકનું કાતરથી ગળું કાપી સગા મામાએ હત્યા કરી નાખી છે. મૃતક યુવક વિકાસ ચાવડા નામના યુવકે મામીની મશ્કરી કરી અને આ બાબતે લાગી આવતા મામા અને મામી સહિત ૪ લોકોએ ભેગા મળી હત્યા કરી નાખી હતી. આ હત્યાની ઘટનાને લઈ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોવાનું સામે આવ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં છાશવારે જાહેરમાં હત્યાના બનાવો બની રહ્યા છે. ત્યારે આ હત્યાની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ હત્યાની ઘટના અંગે લીંબડી પી.એસ.આઈ સહિતના સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરી હત્યારાઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.