ભળતા નામે સોપારીનો વેપલો : હાલોલમાં તમાકુ સાથે માવામાં ખાવા માટે વપરાતી સોપારીની રજીસ્ટર્ડ બ્રાન્ડના ભળતા નામે સોપારીનું ઉત્પાદન-વેચાણ ઝડપાયું

હાલોલ, હાલોલના બાસ્કા ખાતે રજીસ્ટર્ડ કંપનીના નામે ભળતું નામ રાખી સોપારી અને માવો વેચાણ કરતા વેપારીને ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. સુરતની ઉમા સેલ્સ કંપની તમાકુના માવામાં ખાવા માટે વપરાતી સોપારી ‘કાંતિકાકાની સોપારી’ના નામે વેચાણ કરે છે અને આ નામે તેમને કોપીરાઇટ રજીસ્ટ્રેશન પણ કરાવેલું છે. હાલોલના બાસ્કા ગામે રાકેશ હર્ષદલાલ પટેલના ઘર માંથી આ રજીસ્ટર્ડ નામ જેવું ભળતું નામ ‘કિરણકાકાની સોપારી’ રાખી વેચાતી સોપારી અને માવાનો જથ્થો ઝડપાયો છે. હાલોલ રૂરલ પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે દોઢ લાખ રૂપિયાથી વધુનો મુદ્દમાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે. સુરતની ઉમા સેલ્સ કંપની છેલ્લા દસ વર્ષથી ‘કાંતિકાકાની સોપારી’ના નામે કોપીરાઇટ રજીસ્ટર કરાવી તમાકુના માવામાં ખાવા માટે વપરાતી સોપારીનું વેચાણ કરે છે. હાલોલ વિસ્તારમાં આ રજીસ્ટર્ડ નામ જેવું ભળતું નામ અને પાઉચની ડિઝાઇન રાખી કોપીરાઈટનો ભંગ કરી સોપારી અને માવાના પાઉચ વેચવામાં આવી રહ્યા હોવાથી સુરતના ઉમા સેલ્સ કંપનીએ ગાંધીનગર સીઆઇડી ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ આપતા આજે ફરિયાદી અને પંચો સાથે હાલોલ પહોંચેલા અધિકારીઓએ બાસ્કા ગામે રેડ કરી હતી. બાસ્કા ગામે શ્રીજી કિરણા સ્ટોરની ઉપર રહેતા રાકેશ હર્ષદલાલ પટેલના મકાનમાં છાપો મારતા મકાન માંથી ‘કાંતિકાકાની સોપારી’ જેવા જ ‘કિરણકાકાની સોપારી’ના પાઉચ અને સોપારીનો જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલા પાઉચમાં સોપારી પેકીંગ કરેલી હતી અને પાઉચ ઉપર શ્રી મહાકાલ એન્ટરપ્રાઇઝ-હાલોલ લખેલું હતું. પોલીસે 2000 પાઉચનો એક કોથળો એવા 24 કોથળામાં 48,000 પાઉચ પ્રતિ પાઉચના 2 રૂપિયા લેખે કુલ 96,000ની કિંમતના પાઉચ ઝડપ્યા હતા. જ્યારે ‘કિરણકાકાની સોપારી’ નામના પ્લાસ્ટિક પેકીંગ આઉટર થેલી 2500 નંગ જેની કિંમત 2,500 રૂપિયા, અને તમાકુ, ચુના અને સોપારીના ખાવા માટેના તૈયાર માવા મસાલાના 30 કોથળા જેમાં એક કોથળામાં 25 પેકેટમાં 500 નંગ તૈયાર માવા મસાલા જેની કિંમત 2,000 રૂપિયા લેખે 30 કોથળાના 60,000ના તૈયાર માવા મળી 01 લાખ 58 હજાર 500 રૂપિયાનો મુદામાલ કોપીરાઈટના હેઠળ ઝડપી પાડ્યો હતો. રજીસ્ટર્ડ કંપનીની મંજૂરી વગર ભળતા નામે સોપારી વેચવા અને રાખવા બાબતે કોપીરાઈટ એક્ટ હેઠળ પકડાયેલા બાસ્કાના રાકેશ હર્ષદલાલ પટેલે આ જથ્થો હાલોલ ગામે રહેતા અને કિરણ મહેશભાઈ જયસવાલ પાસેથી લીધો હોવાનું કબુલ્યું હતું અને તેઓ આ નામે હાલોલ જીઆઇડીસીમાં ઉત્પાદન કરતા હોવાનું પણ જણાવતા ઉમા સેલ્સ કંપનીના માલિક હસમુખભાઈ ભગવણભાઈ પટેલે હાલોલના કિરણ જયસવાલ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે.