- છરીની અણીએ ધમકીઓ આપી દુષ્કર્મ ગુજારતા, દીકરીના મોઢે ઘટના સાંભળી પિતા ધ્રૂજી ઊઠ્યા.
જૂનાગઢ,
છેલ્લા કેટલાક સમયથી સ્કૂલે ન જતી ૧૫ વર્ષની દીકરીને પિતા જ્યારે પણ સ્કૂલે જવાનું કહેતા ત્યારે એ એક જ વાક્ય બોલતી ’તમારે મને મારી નાખવી હોય તો મારી નાખો, પણ હું નિશાળે તો નહીં જ જાઉં…’ આટલુ બોલી રડવા લાગતી અને આખો દિવસ ઘરમાં ગુમસૂમ બેસી રહેતી. એક દિવસ પિતાએ દીકરીને ફોસલાવીને કારણ પૂછતાં દીકરીએ જે જણાવ્યું એ સાંભળીને પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. આ વાત છે જૂનાગઢની.. જ્યાં ત્રણ નરાધમોએ સગીરાને સતત છ મહિનાથી હેરાન કરતા હતા અને અનેક વખત દુષ્કર્મ આચર્યું. સ્કૂલે જતા-આવતા કે રિસેસમાં.. ગમે ત્યારે રોક્તા અને છરી બતાવીને પીંખી નાખતા. આખરે કંટાળીને વિદ્યાથનીએ સ્કૂલે જવાનું જ બંધ કરી દીધું. એના અઢી મહિના બાદ પરિવારને આ વાતની જાણ થઈ અને ત્રણ શખસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી.
જૂનાગઢ તાલુકાના એક ગામમાં મજૂરીકામ કરીને પેટિયું રળતા પરિવારની દીકરી ગામની જ પ્રાથમિક શાળામાં ધોરણ ૮માં અભ્યાસ કરે છે. એક દિવસ આ દીકરી રાતે જમી પરવારીને નવેક વાગ્યાના અરસામાં ઘરની પાછળ એઠવાડ નાખવા ગઇ ત્યારે બે શખસ આવ્યા અને મોઢું દબાવીને ઢસડીને ઘરની પાછળના ભાગે એક ખંડેર જેવા મકાનમાં લઇ ગયા, જ્યાં છરી બતાવી ધમકી આપી અને દુષ્કર્મ આચર્યું… અને જો કોઈને કહીશ તો તેના પિતા અને ભાઇને જાનથી મારી નાખશે એવી ધમકી આપી. આ ધમકીથી સગીરા ડરી ગઈ અને જાણે કે કંઇ થયું જ ન હોય એમ નોર્મલ રીતે ઘરે આવીને ઊંઘી ગઇ..
સગીરાએ કોઈને ન કહેતાં નરાધમોમાં જાણે કે હિંમત આવી ગઇ હોય એમ સ્કૂલે જતી સગીરાનો રોજ પીછો કરવા લાગ્યા. સગીરા જ્યારે શાળાએ જતી-આવતી કે રિસેસ હોય… આ બંને શખસ તેને છરી બતાવીને ધમકાવતા અને દુષ્કર્મ આચરતા. હદ તો ત્યારે થઇ ગઇ જ્યારે એક દિવસ સગીરા સ્કૂલેથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે આ બંને શખસે સગીરાને રોકી અને નજીકની વાડીમાં લઇ ગયા, જ્યાં તેમનો અન્ય એક મિત્ર આવ્યો અને દુષ્કર્મ આચર્યું. આ બાદ આ રૂટિન બની ગયું.. ત્રણેય શખસના ત્રાસથી સગીરા એટલી હદે કંટાળી ગઈ કે તેણે સ્કૂલમાં જવાનું જ બંધ કરી દીધું.
ધોરણ-૮માં ભણતી દીકરીએ જ્યારે સ્કૂલે જવાનું બંધ કરી દીધું તો પિતા સવાલ કરતા કે ’તું કેમ સ્કૂલે નથી જતી, કેમ ઘરે બેસીને જ લેશન કરે છે?’ પિતાના સવાલનો જવાબ દીકરીએ આપવો હતો, પણ તેને શખસોની ધમકી યાદ આવી જતી કે આ લોકો મારા પિતા કે ભાઇને મારી નાખશે તો? એટલે સગીરા પિતાની વાતને ટાળી દેતી. આવું અઢી મહિના સુધી ચાલ્યું.. દીકરીને ઘરમાં ગુમસૂમ જોઇને પિતાની ધીરજ પણ ખૂટવા લાગી એટલે પિતા દબાણ કરીને સ્કૂલે જવાનું કહેતા ત્યારે દીકરી એક જ વાક્ય બોલતી ’તમારે મને મારી નાખવી હોય તો મારી નાખો, પણ હું નિશાળે તો નહીં જ જાઉં…’ આટલું બોલીને ઘરના કોઈ ખૂણામાં જઈને રડવા લાગતી..
૧૫ વર્ષની દીકરીની આવી હાલત જોઈને પિતાને થયું કે નહીં, કંઇક તો છે, બાકી મારી દીકરી આમ ન કરે.. એટલે તેમણે દીકરીને હિંમત આપી અને શું થયું એ જણાવવા કહ્યું તો દીકરીએ રડતી આંખે કહ્યું, ’છેલ્લા ૬ મહિનાથી ત્રણ શખસ મને હેરાન કરે છે, શાળાએ જાઉં તો પાછળ પાછળ આવે છે અને ૬ મહિનાથી છરી બતાવીને મારી સાથે ખરાબ કામ કરે છે. કોઈને કહું તો તમને અને ભાઇને જાનથી મારી નાખવાની વાત કરે છે…’ દીકરીની આટલી વાત સાંભળતાં જ પિતાના પગ નીચેથી જમીન સરકી ગઇ અને ભાંગી પડ્યા.. ત્યાર બાદ પિતા દીકરીને લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આખી ઘટનાની ફરિયાદ નોંધાવી. પોલીસે ત્રણેય શખસ સામે ફરિયાદ નોંધી તેમને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે…