અમરેલી,
અમરેલી જિલ્લામાં વાંરવાર ખનીજ ચોરી ઝડપાયા કરે છે. જો કે ગઇકાલે મોડી રાતે જિલ્લાનું સૌથી મોટું રેતી ચોરીનું રેકેડ પકડાતા ખળભળાટ મચી ગયો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી રાજુલા તાલુકામાં આવેલા ભાક્ષી ગામ નજીક રેતી ચોરી માટે અહીં પાણી ભરેલી નદીમાં ૪ જેટલી બોટ ઉતારવામાં આવી હતી. મોટું હીટાચી મશીન મુકવામા આવ્યુ હતુ, જો કે આ કૌભાંડમાં જિલ્લાના ૧ ઉચ્ચ અધિકારી અને દિગ્ગજ નેતા હોવાની ચર્ચા હતી. જેના કારણે કોઈ અધિકારી ચેકિંગ કરવાની હિંમત નહોતા કરતા તેવી માહિતી છે.
જો કે રાજુલા પંથકમાં તાજેતરમાં મામલતદાર સંદીપ સિંહ જાદવની નિમણૂક કરવામાં આવી છે. આ અધિકારી દ્વારા ગેરકાયદેસર રીતે ચાલતી ખનીજ ચોરી સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. મોડી રાતે અલગ અલગ ટીમો બનાવી ભાક્ષી ગામ નજીક રેતી કૌભાંડ ઉપર ત્રાટક્તા ખળભળાટ મચી ગયો હતો. અહીં ૧ હિટાચી મશીન અને ૪ બોટ સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે. હજારો લાખો ટન રેતી ચોરી કર્યાનું મામલતદારની તપાસમાં ખુલ્યું છે.
હવે સમગ્ર મામલે ખાણ ખનીજ વિભાગને જાણ કરી આ મુદ્દામાલ સોંપવામાં આવ્યો છે, અહીં કેટલી રેતી ચોરી અત્યાર સુધીમાં ચોરી કરવામાં આવી છે તેની તપાસ કરવામાં આવશે. માપણી કર્યા બાદ ખાણ ખનીજ વિભાગ કાર્યવાહી કરશે. આધારભૂત સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ રેતી ચોરીના સૌથી મોટા કૌભાંડ પાછળ રાજકીય નેતા અને જવાબદાર ઉચ્ચ અધિકારી સામેલ છે.
રાજુલાના મામલતદાર સંદીપ સિંહ જાદવની ટીમ દ્વારા દરોડો પાડી રેતી ચોરીનું રેકેટ ઝડપી મામલો ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવ્યો છે. હાલ તો અમરેલી જિલ્લા ખાણ ખનીજ વિભાગની આબરૂના ધજાગરા ઉડી ગયા છે અને મામલતદારની જિલ્લા વહીવટી તંત્ર વિભાગમાં પ્રશંસા થઇ રહી છે, ખનીજ માફિયાઓ હાલમાં ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
મામલતદાર સંદીપ સિંહ જાદવે ટીવી નાઇન ડિજિટલને જણાવ્યુ હતુ કે, અહીં એક હિટાચી મશીન અને ૪ બોટ પકડાઇ છે, જે ગેરકાયદેસર રીતે ચાલતું હતું. હાલ ખાણ ખનીજ વિભાગને જાણ કરી છે. આ મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવશે.