ભાજપની સેન્સપ્રક્રિયામાં શિસ્તના લીરા ઊડ્યા!:વડોદરા શહેર ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે જામી પડી

વડોદરા શહેર ભાજપમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી યાદવાસ્થળી આજે(4 જાન્યુઆરી) ચાલી રહેલી સેન્સપ્રક્રિયામાં પણ જોવા મળી. વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારોની સેન્સપ્રક્રિયા અને ફોર્મ સ્વીકારવાની શરૂઆત થઈ છે. ત્યારે સેન્સપ્રક્રિયા દરમિયાન વડોદરા શહેર ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપો થતાં કાર્યાલય પર સોપો પડી ગયો હતો. પૂર્વ કોર્પોરેટર ગોપી તલાટીએ મહિલાઓનું અપમાન થાય એવું નિવેદન કર્યાનો સુનિતા શુક્લાએ આક્ષેપ કર્યો હતો. જ્યારે પૂર્વ કોર્પોરેટરે ગોપી તલાટીએ બચાવમાં કહ્યું કે, મારી દાવેદારીને નબળી પાડવા માટે ખોટા આક્ષેપો કરાઈ રહ્યા છે.

વડોદરા શહેર મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ સુનિતાબેન શુક્લાએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે મહિલાઓ બાબતે ગંદી કોમેન્ટ કરવામાં આવી છે. મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું પ્રમુખ સાથે રૂબરૂ વાત કરીને મીડિયા સાથે વાત કરીશ. હું પ્રમુખની મંજૂરી લઈને આગળની કાર્યવાહી કરીશ. જે વિવાદ છે એ અંગે પહેલા પ્રમુખને કહીશ, પછી મીડિયાને કહીશ. મેં કોઈ પ્રકારનો સ્પર્શ કર્યો નથી. શિસ્તબદ્ધ પાર્ટીમાં જે બોલ્યું છે તેને પૂછો, મને નહીં. એક મહિલા તરીકે આ ભાજપ કાર્યાલય પર કંઈ બોલવામાં આવે તો મારે બોલવું પડે. હું પ્રમુખ સાથે ચર્ચા કરીશ. હાઇકમાન્ડ સુધી વાત જશે.

પૂર્વ કોર્પોરેટર અને પ્રમુખપદ માટે દાવેદારી કરનાર ગોપી તલાટીએ કહ્યું હતું કે હું કોઈપણ કાર્યકર્તા અંગે બોલ્યો નથી. આક્ષેપો પાયાવિહોણા છે. તેમને એમ લાગતું હશે કે મારી અધ્યક્ષપદ માટેની દાવેદારી વર્તમાન અધ્યક્ષ સાથે કોમ્પિટ થઈ રહી છે એટલે ગંદા આક્ષેપો કરી રહ્યા છે. આ આક્ષેપો કોણ કરાવી રહ્યું છે એ સૌકોઈ જાણે છે અને સુનિતાબેનને પણ ખબર છે. મેં પાર્ટીની પ્રક્રિયા મુજબ મારી ઉમેદવારી નોંધાવી છે. દરેકને આક્ષેપ કરવાનો અધિકાર છે કરી શકે.

ડોદરા શહેર ભાજપ-અધ્યક્ષ માટે વર્તમાન પ્રમુખ વિજય શાહે દાવેદારી નોંધાવી હતી. આ ઉપરાંત પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પટેલ, પૂર્વ મેયર જિગીષાબેન શેઠ અને પૂર્વ મેયર સુનીલ સોલંકી પણ દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યાં હતાં.

અમે અંદર હતા એટલે બહાર શું થયું એની ખબર નથી- ચૂંટણી અધિકારી વડોદરા શહેર ભાજપ-પ્રમુખની ચૂંટણી માટે નિમાયેલા ચૂંટણી અધિકારી કુશલસિંહ પઢેરિયાએ જણાવ્યું હતું કે બહાર વિખવાદ થયો એ તમને ખબર હશે, અમને અંદર કંઈ ખબર નથી. કોઈએ ફરિયાદ કરી નથી. કોને શિસ્તભંગ કર્યો છે એ તમે બહાર હતા તો તમને ખ્યાલ આવે. અમને ફરિયાદ મળશે તો એ અંગે વિચારીશું. પ્રદેશમાં આ બાબતે ધ્યાન દોરવામાં આવશે.