વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના પટાંગણમાં 18મી તારીખે રાત્રિના સમયે ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની પોલીસની હાજરીમાં જ હત્યા નિપજાવી દેવામાં આવી હતી. વડોદરા પોલીસે તપન પરમારની હત્યા નિપજાવનાર બાબર પઠાણ અને તેના સાગરિતોને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ હવે આ મામલામાં બેદરકારી દાખવનારા પોલીસ અધિકારી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. કારેલીબાગ પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ, પીએસઆઇ સહિત 10 પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા છે. જેને પગલે વડોદરા પોલીસબેડામાં હડકંપ મચી ગયો છે. અગાઉ પણ પોલીસ કમિશનરે બે પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા હતા.
સસ્પેન્ડ થયેલા પોલીસકર્મીઓના નામ
- સેકન્ડ PI કે.એસ.માણીયા
- PSI કે.ડી.પરમાર -કારેલીબાગ
- એ.એસ.આઇ. મનોજ સોમાભાઇ
- એ.એસ.આઇ. પ્રવિણકુમાર સેતાજી
- અનાર્મ હેડ કોસ્ટેબલ જયદેવભાઇ રમેશભાઈ
- અનાર્મ હેડ કોસ્ટેબલ જયદિપભાઈ જશવંતભાઇ
- અનાર્મ હેડ કોસ્ટેબલ અર્જુનભાઈ ઇશ્વરભાઈ
- અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઇ ખેમાભાઇ
- અનાર્મ લોકરક્ષક રાકેશભાઇ નટવરભાઇ
- અનાર્મ લોકરક્ષક ભરતભાઇ રણછોડભાઇ
વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, 18 નવેમ્બરના રોજ થયેલી હત્યા બાદ પ્રાથમિક રિપોર્ટના આધારે બે પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને હવે ડિટેલ રિપોર્ટના આધારે તથ્ય બહાર આવતા કારેલીબાગ પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ, પીએસઆઇ અને આઠ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે.
આ સમગ્ર ઘટનાની સિલસિલાબંધ વિગતો એવી છે કે, 18મી તારીખે રાત્રે 9-30 વાગ્યાના સુમારે ધર્મેશ પટેલ તેના મિત્રો દિવ્યાંગ ઉર્ફ બિટ્ટુ પરમાર, ધવલ મકવાણા અને મિતેષ રાજપૂત સાથે મહેતાવાડીના નાકા ઉપર ઊભા હતા. એ સમયે વિક્રમ ઉર્ફે વિકી પરમાર લોહીથી લથપથ હાલતમાં આવ્યો હતો. તેણે તેના મિત્રોને બાબરે પેટમાં અને છાતીમાં ચાકુના ઘા માર્યા હોવાનું જણાવ્યું હતું. લોહીથી લથપથ વિક્રમને તેનો ભાઇ હોસ્પિટલમાં લઇ જવા માટે તૈયારી કરતો હતો. ત્યાં જ બાબર તેના અન્ય સાગરીતો સાથે વિક્રમ ઉપર વધુ હુમલો કરવા માટે આવી પહોંચ્યા હતા, જેમાં વચ્ચે પડેલા ધર્મેશ પટેલને પણ હાથમાં ઇજા પહોંચી હતી. બીજી બાજુ દિવ્યાંગ ઉર્ફે બિટ્ટુ વિક્રમને બાબર અને તેના સાગરીતોથી બચાવી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યો હતો.
દરમિયાન આ બનાવની જાણ ઇજાગ્રસ્ત વિક્રમ ઉર્ફે વિકી પરમારના મિત્ર મિતેશ રાજપૂતને થતાં તે ભાજપાના પૂર્વ કાઉન્સિલર તપન પરમાર સહિત અન્ય મિત્રો સાથે મોડીરાત્રે સયાજી હોસ્પિટલમાં દોડી આવ્યા હતાં. રાત્રે લગભગ 12-15 વાગ્યાની આસપાસ તપન પરમાર તથા મિતેશ રાજપૂત સયાજી હોસ્પિટલની કેન્ટીનમા ચા પીવા માટે ગયા હતા. ચા પીને બંને રાત્રે 1 કલાકે પરત તાત્કાલિક સારવાર વિભાગ પાસે આવી રહ્યા હતા. એ દરમિયાન મારામારીની ઘટનામાં બાબરના સાગરીત વસીમને પણ સયાજી હોસ્પિટલમાં લવાયો હોવાથી બાબર પઠાણ, વસીમની પત્ની તેમજ અન્ય કેન્ટીન પાસે તપન પરમારને જોઇ જતાં બાબર પઠાણે તેની પાસેના ચાકુથી તપન પરમાર ઉપર જીવલેણ હુમલો કરી તેના સાગરીતો સાથે ફરાર થઇ ગયો હતો.
આ સમગ્ર ઘટનામાં બાબર પઠાણે સાડાત્રણ કલાકના સમયગાળામાં 9-30 કલાકે વિક્રમ ઉર્ફે વિકી પરમાર ઉપર મહેતાવાડીમા ચાકુથી જીવલેણ હુમલો કર્યો હતો. તેના સાડાચાર કલાક બાદ રાત્રે 1 વાગે તપન પરમાર ઉપર સયાજી હોસ્પિટલની કેન્ટીન પાસે ચાકુથી હુમલો કર્યો હતો, જેમાં તપન પરમારનુ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં મહેતાવાડીમાં વિક્રમ ઉર્ફે વિકી પરમાર ઉપર થયેલા જીવલેણ હુમલાની ફરિયાદ કારેલીબાગ પોલીસ મથકમાં અને સયાજી હોસ્પિટલમાં ભાજપાના પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમાર ઉપર કરવામાં આવેલા હુમલાની ફરિયાદ રાવપુરા પોલીસ મથકમાં નોંધાઈ હતી.