ભાજપમાં પણ પરિવારવાદ! ૪ પૂર્વ મુખ્યમંત્રીઓની ત્રીજી પેઢીને ટિકિટ મળવાની ચર્ચા

ભાજપ હંમેશાથી પરિવારવાદના વિરૂદ્ધમાં નિવેદનો આપતુ રહ્યું છે, પરંતુ હવે તે પોતે જ પરિવારવાદને પ્રોત્સાહન આપશે, તેવા અહેવાલો મળી રહ્યા છે. ટૂંકસમયમાં યોજાનારી હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તેના દિગ્ગજ નેતાઓના પરિવારના સભ્યોને ટિકિટ આપશે તેવી શક્યતાઓ દર્શાવાઈ છે. જો આમ થયું તો કોંગ્રેસને ભાજપની બેવડી નીતિ પર કટાક્ષ કરવાનો મોકો મળશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપની યાદી ટૂંકસમયમાં જાહેર થઈ શકે છે. ગુરૂવારે આ મુદ્દે લાંબી ચર્ચાઓ ચાલી હતી. ભાજપ ઘણી બેઠકો પર કદાવર નેતાઓને ઉતારી શકે છે. ખાસ કરીને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રીઓના પરિવારના લોકોને ટિકિટ મળી શકે તેવો સંકેત છે. સુત્રો અનુસાર, ચાર પૂર્વ મુખ્યમંત્રીઓના દિકરા અને દિકરીને ટિકિટ આપી શકે છે. ભાજપ તેના હરિયાણાના ત્રણ લાલ ભજનલાલ, બંસીલાલ અને દેવીલાલ પૌત્ર અને પૌત્રીઓને ટિકિટ આપવાની તૈયારીમાં છે.

ભજનલાલના પૌત્ર ભવ્યા બિશ્નોઈને આદમપુર બેઠક પરથી ઉતારવાની તૈયારીમાં છે. બંસીલાલની પૌત્રી શ્રુતિ ચૌધરીને પણ તોશામમાંથી ટિકિટ મળી શકે છે. દેવીલાલના પૌત્ર આદિત્ય દેવીલાલને ડબવાલી વિધાનસભામાંથી ચૂંટણી લડવાની તક મળવાની સંભાવના છે. આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી રાવ બિરેન્દ્ર સિંહના પૌત્ર આરતી રાવને અટેલી બેઠક પરથી ટિકિટ મળવાની ચર્ચા છે. આરતીના પિતા રાવ ઈન્દ્રજીત સિંહ કેન્દ્ર સરકારમાં મંત્રી છે.

ભવ્યા અને આરતીનો પરિવાર 2014 પહેલાં કોંગ્રેસમાં હતો. શ્રુતિ ચૌધરી પણ હાલમાં જ ભાજપમાં જોડાઈ છે. શ્રુતિ ચૌધરીની માતા કિરણને ભાજપે રાજ્યસભામાં મોકલી આપી છે. ભાજપનો અંદાજ છે કે, પક્ષ નબળો પડી રહ્યો હોવાથી, પ્રચલિત પરિવારના સભ્યોને તક આપી માહોલ બનાવી શકાય છે. વર્તમાન સરકારના 30 ટકા ધારાસભ્યોનુ પત્તુ કપાઈ શકે છે.

સંદીપ સિંહ, સંજય સિંહ અને સીમા ત્રિખા જેવા મંત્રીઓ પણ ટિકિટની રેસમાંથી બહાર થઈ શકે છે. પક્ષના સૂત્રોનું કહેવું છે કે આ લોકો સામે એન્ટી ઈન્કમ્બન્સી છે.

પૂર્વ લોકસભા સાંસદ સુનીતા દુગ્ગલ, વરિષ્ઠ નેતા ઓપી ધનખર અને કેપ્ટન અભિમન્યુને ફરી તક મળી શકે છે. આ ત્રણેય ચહેરાઓને ગત વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એવી ચર્ચા છે કે મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈની પણ તેમની વર્તમાન બેઠક સિવાય અન્ય કોઈ વ્યક્તિ પરથી ચૂંટણી લડવાનું વિચારી રહ્યા છે ભાજપનું મુખ્ય ફોકસ દક્ષિણ હરિયાણાના બેલ્ટ પર છે જેમાં ગુરુગ્રામ, રેવાડી, મહેન્દ્રગઢ, ભિવાની અને યમુનાનગર, અંબાલા, કરનાલ અને ઉત્તરમાં કુરુક્ષેત્ર વિસ્તાર સમાવિષ્ટ છે.