ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે બે નવા ચહેરા પસંદ કર્યા,બાબુ દેસાઇ અને કેસરીસિંહ ઝાલા

ગાંધીનગર, આખરે રાજયસભાની ચૂંટણી માટે ભાજપે બે નામ પરથી સસ્પેન્સ હટાવ્યુ છે. ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે બાકીના બે નામ જાહેર કર્યા, બાબુ દેસાઇ અને કેસરીસિંહ ઝાલાનું નામ જાહેર કરવામાં આવ્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે ત્રણેય બેઠક ભાજપની છે. કેમ કે કોંગ્રેસ તરફથી કોઇ ફોર્મ ભરવામાં નહીં આવે.

ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠક માટે ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ દ્વારા ત્રણેય ઉમેદવારના નામ જાહેર થઇ ગયા છે. આ પહેલા વિદેશ પ્રધાન એસ જયશંકર દ્વારા રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરી દેવામાં આવ્યુ છે. ત્યારે હવે બાકીના બે નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. ચુંટણી માટે ૧૩ જુલાઇએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે ત્યારે આ બંન્ને ઉમેદવારોએ આજે પોતાના ઉમેદવારીપત્રો ભર્યા હતાં. આ પહેલા કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે બે દિવસ પહેલા જ ઉમેદવારીપત્રક ભર્યું હતું. કેસરીસિંહ અને બાબુ દેસાઇએ પોતાના ઉમેદવારીપત્રકો ભર્યા ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ રાજયના મંત્રીમંડળના સભ્યો તેમજ સાંસદો અને ધારાસભ્યો હાંજર રહ્યાં હતાં.

ભાજપ દ્વારા વાંકાનેરના રાજવી પરિવારમાંથી આવતા કેસરીસિંહ ઝાલા તેમજ બાબુ દેસાઇ પાટણમાંથી છે. આમ ભાજપે આ વખતે ઉત્તર ગુજરાતના ઉમેદવારોને પ્રાધાન્ય આપ્યુ હોય તેવુ સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે.કેસરીસિંહ ઝાલા વાંકાનેરના રાજવી પરિવારના અને ભાજપના સનિષ્ઠ કાર્યકર છે. તેઓ વર્ષ ૨૦૧૧થી ભાજપના સક્રિય કાર્યકર તરીકે સેવા આપે છે. ૨૦૧૧માં તત્કાલીન મુખ્યમંત્રી મોદીના હાથે ભાજપનો ખેસ પહેર્યો હતો. ૨૦૨૨ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મહત્વની ભૂમિકા હતી. કેસરીદેવસિંહની રણનીતિને પગલે વાંકાનેર બેઠક ભાજપે જીતી હતી. તેમણે ૨૦૨૧માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઇન્ચાર્જની ભૂમિકા ભજવી હતી. તેઓ રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ અને મોરબી જિલ્લા પ્રમુખ રહ્યા છે. તેઓ સામાજીક, રાજકીય અને ધાર્મિક ક્ષેત્રે સંકળાયેલા છે.

બાબુ દેસાઇ બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ કાંકરેજના પૂર્વ ધારાસભ્ય છે. તેઓ અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે. બાબુ દેસાઇ રબારી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેમને કમિટેડ કાર્યર્ક્તા માનવામાં આવે છે. બાબુ દેસાઇની પોતાની એક લોકપ્રિયતા છે. તેઓ અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહ્યા છે. તો બીજી તરફ કેસરીસિંહ વર્તમાન સમયમાં ભાજપ સાથે જોડાયેલા છે. વાંકાનેરમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કાર્યરત રહેલા છે.

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી માલધારી સમાજ અને ક્ષત્રિય સમાજની બાદબાકીનો સૂર ઉઠ્યો હતો. તે સમયે માવજી દેસાઈ પક્ષમાંથી છેડો ફાડીને અપક્ષમાં ચૂંટણી લડ્યા અને જીત્યા પણ હતા. તો પાટણ વિધાનસભામાંથી ભાજપ ઉમેદવાર રાજુલ દેસાઈ પણ હાર્યા હતા. જે પછી માલધારી સમાજ ભાજપથી વિમુખ થઈ રહ્યાની ચર્ચાઓએ વેગ પકડ્યો હતો. જે પછી બનાસકાંઠાના ૨૦૨૪ની ચૂંટણીમાં વોટબેંકને ફટકો પડી શકે એમ માનવામાં આવતુ હતુ. ત્યારે બાબુ દેસાઈને રાજ્યસભામાં લઇ જઇને માલધારી સમાજને એક સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવી છે. મહત્વનું છે કે ગોવા રબારીને ટુંક સમય પહેલા ભાજપમાં લેવાયા છે.

આ લખતે વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાંથી ક્ષત્રિય સમાજની મોટાભાગે બાદબાકી રહી છે. ભૂપેન્દ્રસિંહ, પ્રદીપસિંહ, હકુભા જેવા ક્ષત્રિય નેતાઓની બાદબાકી જોવા મળી છે. આઇ. કે. જાડેજાની પણ હાલ કોઈ સક્રિય ભૂમિકા જોવા નથી મળી રહી. ત્યારે ક્ષત્રિય નેતાગીરી નારાજ તથા નબળી થઈ હોવાનો સુર ઉઠ્યો. ત્યારે રાજ્યસભા માટે નિવવાદીત ચહેરો હોવાથી કેસરીદેવસિંહની પસંદગી કરાઇ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.