મુંબઈ,એનસીપી ચીફ શરદ પવારના રાજીનામાના એલાન બાદથી માહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ આવ્યો છે. બીજેપી દ્વારા સતત નિવેદનો સામે આવ્યા છે. હવે બીજેપીએ સંજય રાઉતને પવાર પરિવારમાં દરાર ઉભી કરવા માટે જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, ઠાકરે પરિવારમાં પણ સંજય રાઉતે જ દરાર ઉભી કરી હતી.
ભાજપ નેતા નિતેશ રાણેએ કહ્યું કે, શરદ પવારના રાજીનામાના એલાન બાદ સંજય રાઉતે જે ટ્વીટ કર્યું તે તેનો પુરાવો છે કે, તેમનો જે એજન્ડા પૂરો થઈ ગયો છે. તેઓ શરદ પવારને મળવા પણ ન ગયા. તેઓ માત્ર મોટી-મોટી વાતો કરી રહ્યા છે. એટલુ જ નહીં રાણેએ રાઉતને આધુનિક યુગના શકુનિ મામા ગણાવ્યા છે.
રાણેએ કહ્યું કે, મહારાષ્ટ્રના રાજકારણમાં શકુનિ મામાની એન્ટ્રી થઈ ગઈ છે. સંજય રાઉત આધુનિક યુગના શકુનિ મામા છે. રાઉતનું જે કામ હતુ તે તેમણે પૂરુ કરી દીધુ છે. અજિત પવારને સતત ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા હતા. ત્યારબાદ ગઈકાલે શું થયું તે બધાએ જોયું. એ જ રીતે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે આગ લગાવવાનું કામ સંજય રાઉતે જ કર્યું હતું.
નિતેશ રાણેએ કહ્યું કે જ્યારે બધું બરાબર હતું ત્યારે પણ સંજય રાઉતે અજિત પવાર વિરુદ્ધ નિવેદનો આપવાનું ચાલુ રાખ્યું હતું. એવી વાતો કરી જેનાથી પાર્ટીના હાઈકમાન્ડ સુધી ખોટા મેસેજ પહોંચ્યા. રાઉતના નિવેદનને કારણે આ બધુ જોવુ પડ્યુ છે. તેમણે કહ્યું કે રાઉતનું ગુજરાન આવા કામોથી જ ચાલે છે.