ભાજપે મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી, પંકજા મુંડેનું નામ પણ સામેલ

ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ સોમવારે મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જે નામોની જાહેરાત કરવામાં આવી છે તેમાં પંકજા મુંડે, યોગેશ ટીલેકર, પરિણય ફુકે, અમિત ગોરખે અને સદભાઉ ખોતનો સમાવેશ થાય છે.

ખાસ વાત એ છે કે ભાજપે ફરી એકવાર પંકજા મુંડે પર વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે. પંકજાએ બીડથી લોક્સભા ચૂંટણી લડી હતી. જો કે, તે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર) ના બજરંગ સોનાવણે સામે ૬૦૦૦ મતોના પાતળા માજનથી હારી ગઈ હતી. તેમની હાર બાદ તેમના ચાર સમર્થકોએ આત્મહત્યા કરી હોવાના અહેવાલ છે.

રાજ્યમાં વિધાન પરિષદની ૧૧ બેઠકો માટે ૧૨ જુલાઈએ મતદાન થશે. પરિણામ પણ તે જ દિવસે જાહેર કરવામાં આવશે. મહારાષ્ટ્ર ભાજપે કેન્દ્રીય નેતૃત્વને ૧૧ નામોની યાદી મોકલી હતી. જેમાંથી પાર્ટીએ પાંચ નામોને મંજૂરી આપી દીધી છે.