ભાજપે લોક્સભા ચૂંટણી માટે વધુ એક યાદી જાહેર કરી,ચંદીગઢથી કિરણ ખેરની ટિકિટ કપાઇ

નવીદિલ્હી, ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ લોક્સભા ચૂંટણી માટે વધુ એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં નવ ઉમેદવારના નામ છે જેમાં ઉત્તર પ્રદેશની સાત અને પશ્ર્ચિમ બંગાળની આસનસોલ અને ચંદીગઢની બેઠક સામેલ છે.

ભાજપે ચંદીગઢથી વર્તમાન સાંસદ કિરણ ખેરની ટિકિટ કાપી નાખી છે. કિરણ ખેરની જગ્યાએ સંજય ટંડનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સિવાય આસનસોલથી શત્રુધ્ન સિન્હા વિરૂદ્ધ એસએસ અહલુવાલિયાને ઉતારવામાં આવ્યા છે.

ભાજપ નેતાએ પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખરને બલિયાથી ટિકિટ આપી છે. ગાજીપુરથી મુખ્તાર અંસારીના ભાઇ અને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અફઝલ અંસારી સામે પારસનાથ રાયને ઉતાર્યા છે.

આ સિવાય બંગાળની આસનસોલ બેઠક પર પૂર્વ કેન્દ્રીય મંત્રી એસએસ અહલુવાલિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અહીં પહેલા ભાજપે ભોજપુરી અભિનેતા પવન સિંહને ટિકિટ આપી હતી. ટિકિટ મળવાના ૨૪ કલાકની અંદર જ પવન સિંહે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. અહલુવાલિયાનો મુકાબલો તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને અભિનેતા શત્રુધ્ન સિન્હા સામે થશે.

પ્રયાગરાજ જિલ્લાની બન્ને બેઠકો પર ઉમેદવાર બદલવામાં આવ્યા છે. વર્તમાન સાંસદ રીતા બહુગુણા જોશી અને કેસરી દેવી પટેલને ટિકિટ આપવામાં આવી નથી. અલ્હાબાદ બેઠક પર નીરજ ત્રિપાઠીને તક આપવામાં આવી છે. નીરજ ભાજપના દિગ્ગજ નેતા કેસરી નાથ ત્રિપાઠીના પુત્ર છે. કેસરી નાથ પૂર્વ રાજ્યપાલ અને યુપી વિધાનસભાના અયક્ષ રહ્યાં હતા. જિલ્લાની ફૂલપુર લોક્સભા બેઠક પરથી પ્રવીણ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પ્રવીણ પટેલ ફૂલપૂરના ધારાસભ્ય છે.