- વાસુદેવ દેવનાનીને વિધાનસભા અધ્યક્ષ બનાવાયા.
જયપુર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ ભાજપે મુખ્યમંત્રી તરીકે નવા ચહેરાને તક આપી ફરી સૌને ચોંકાવ્યા છે. રાજસ્થાનમાં ભજનલાલ શર્માને મુખ્યમંત્રી બનાવ્યા છે. આ સાથે જ ત્રણે રાજ્યોમાં મુખ્યમંત્રી જાહેર કરવાની સસ્પેન્સનનો અંત થયો છે. ભાજપે રાજસ્થાનમાં પણ નાયબ મુખ્યમંત્રી તરીકે બે નામની જાહેરાત કરી છે, જેમાં દીયા સિંહ અને પ્રેમ ચંદ બૈરવાને નાયબ મુખ્યમંત્રી બનાવાયા છે. જ્યારે વાસુદેવ દેવનાનીને વિધાનસભા અધ્યક્ષ
બનાવાયા છે. બ્રાહ્મણ જ્ઞાતિના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા સાંગાનેર બેઠક પરના ધારાસભ્ય છે, અને તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે. આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી, જેમાં ભજન લાલ શર્માના નામ પર મહોર મારી દેવાઈ છે.પૂર્વ સીએમ વસુંધરા રાજેએ ભજનલાલ શર્માના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.ભજનલાલ શર્માએ કોંગ્રેસના પુષ્પેન્દ્ર ભારદ્વાજને ૪૮૦૮૧ મતોથી હરાવ્યા હતા. ભજનલાલ શર્મા સંઘ અને સંગઠન બંનેના નજીકના ગણાય છે આ ઉપરાંત તેઓ ૪ વખત પ્રદેશ મહામંત્રી રહી ચૂક્યા છે. તેઓ આરએસએસ અને એબીવીપી સાથે સંકળાયેલા છે. ભરતપુરના રહેવાસી ભજનલાલ શર્મા લાંબા સમયથી ભાજપ માટે કામ કરી રહ્યા છે અને તેઓ પ્રદેશ મહામંત્રી તરીકે કાર્યરત છે.તેઓ પહેલીવાર જ વિધાનસભાની ચૂંટણી જીતીને મુખ્યમંત્રી બન્યા છે. વર્તમાન ધારાસભ્ય અશોક લાહોટીની ટિકિટ કાપીને ભજનલાલ શર્માને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
રાજસ્થાનમાં ભાજપની જીત સૌથી મોટો પડકાર એ હતો કે, સીએમ તરીકે કોને પસંદ કરવામાં આવે પરંતુ હવે આ વાતનો અંત આવ્યો છે. રાજસ્થાનના સીએમની રેસમાં ઘણા નામો ચાલી રહ્યા હતા. આ યાદીમાં પહેલું નામ વસુંધરા રાજેનું હતું. તે રાજસ્થાનની કમાન સંભાળી ચૂકી છે. આ સિવાય રાજસ્થાનમાં હિન્દુત્વના પોસ્ટર બોય બનેલા બાબા બાલકનાથનું નામ પણ ચર્ચામાં હતું. ગજેન્દ્ર શેખાવત, સીપી જોશી, દિયા કુમારી અને રાજવર્ધન રાઠોડ જેવા નામો પણ રેસમાં હતા. આ બધા વચ્ચે ભાજપ હાઈકમાન્ડે ભજનલાલ શર્માની પસંદગી કરીને સૌને ચોકાવી દીધા છે.ભજનલાલ શર્મા ભરતપુરના છે, પરંતુ તેમને ત્યાં ટિકિટ આપવામાં આવી ન હતી કારણ કે આ બેઠક પર તેમની જીત મુશ્કેલ માનવામાં આવી રહી હતી. આવી સ્થિતિમાં તેઓ સાંગાનેરથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતાં તેઓ રાજસ્થાનમાં પાર્ટીની કોઈપણ પ્રવૃત્તિમાં મોખરે રહેલા વ્યક્તિ તરીકે ઓળખાય છે, પરંતુ તેઓ ખૂબ જ ઓછી પ્રોફાઇલ રાખે છે.
ધારાસભ્ય દળની બેઠક પહેલા એક ગ્રુપ ફોટો લેવામાં આવ્યો હતો જેમાં ભજનલાલ શર્મા છેલ્લી હરોળમાં ઉભા હતા, પરંતુ થોડી જ ક્ષણો બાદ તેઓ સીએમની રેસ જીતવામાં સફળ રહ્યા હતા. રાજસ્થાનમાં આજે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. કેન્દ્રએ રાજનાથ સિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડેને રાજસ્થાનના નિરીક્ષક બનાવ્યા હતા. આ ત્રણેય નેતાઓએ મુખ્યમંત્રીના નામનું સુચન કર્યું હતું જે ભાજપ હાઈકમાન્ડની મંજૂરી બાદ સીએમ તરીકે જાહેર કરવામાં આવ્યુ હતું. નવા મુખ્યમંત્રી પાસેની સપત્તિની વાત કરીએ તો બેન્કો ,નાણાંકીય સંસ્થાનો અને બિન બેકીંગ નાણાંકીય કંપનીઓમાં જમા નાણાંની બાબતમાં વાત કરીએ તો એચડીએફસી બેંકમાં ભજનલાલ શર્માના એકાઉન્ટમાં ૧,૪૭,૧૭૩ લાખ રૂપિયા જમા છે.પીએનબી બેન્ક ભરતપુર બ્રાંચમાં ૨.૦૭૫ રૂપિયા બીઓબી બેંકમાં ૧૩,૦૨૭ રૂપિયા આ ઉપરાંત વિવિધ બ્રાંચોમાં નાણાં જમા છે.તેમના પત્ની પાસે રાજસ્થાન બરોડા ગ્રામીણ બેંકમાં ૧૦,૪૮૧ રૂપિયા છે.તેમણે એલઆઇસી પોલિસી ૧૬,૧૮૧ રૂપિયા અને એચડીએફસી લાઇફ પ્રો ગ્રોથ પ્લસ ૧,૯૪,૮૦૦ લાખ રૂપિયામાં ઇન્વેસટમેંટ કર્યું છે. ભજનલાલ શર્માની પત્નીના નામ પર ફકત એક એલઆઇસી પોલિસી છે જેમાં તેમનું ૭૨,૮૩૬ રૂપિયા ઇન્વેસ્ટ છે. શર્માની પાસ સોના ૧.૮૦.૦૦૦ લાખ રૂપિયાના દાગીના છે.જે ત્રણ તોલાના છે જયારે તેમની પત્નીની પાસે ૩૦ ગ્રામ સોનાના દાગીના છે જેની કીંમત ૧૮.૦૦.૦૦૦ લાખ રૂપિયા છે જયારે તેમની પાસે બે કિલો ચાંદી છે જેની કીમત ૧,૪૦,૦૦૦ લાખ છે.
આ પહેલા ભાજપે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં બધાને ચોંકાવી દીધા હતા. મધ્યપ્રદેશ માં મોટા ચહેરાઓને બાયપાસ કરીને મોહન યાદવને કમાન સોંપવામાં આવી હતી, જ્યારે છત્તીસગઢની બાગડોર વિષ્ણુદેવ સાંઈને સોંપવામાં આવી હતી.રાજસ્થાનની કુલ ૨૦૦ વિધાનસભા બેઠકોમાંથી ૧૯૯ બેઠકો માટે ૫૧ હજારથી વધુ મતદાન મથકો પર ૨૫ નવેમ્બરે મતદાન થયું હતું અને ૩ ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં ભાજપને ૧૧૫ અને કોંગ્રેસને ૬૯ બેઠકો મળી હતી. રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી પદના ઉમેદવારનું નામ જાહેર કર્યા વગર જ ચૂંટણી લડી હતી