ગાંધીનગર, ગુજરાતમાં કોંગ્રેસને સિંગલ ડિજિટ પર મોકલી દઈ લોક્સભામાં જીતની હેટ્રિક ફટકારવાના સપનાં જોતી ભાજપે ૫ લાખની લીડથી જીતવાનો લક્ષ્યાંક મૂક્યો છે. હવે સીઆર પાટીલ મેં કરી દેખાડ્યું હવે તમે કરી બતાવોની જીદ લઈને બેસતાં ભાજપના નેતાઓ પણ મૂંઝાઈ ગયા છે. ભાજપે ઓપરેશન લોટસ શરૂ કરીને આ ટાર્ગેટની આડે આવતા નેતાઓને ભાજપનો કેસરિયો પહેરાવી લક્ષ્યાંકને પૂરો કરવા માટે કમરક્સી છે.
હાલમાં ભાજપના નેતાઓ અને સીએમ સહિત ગામડાઓના પ્રવાસે છે. ભાજપ સારી રીતે જાણે છે કે મેટ્રો અને મેગા શહેરો એ ભાજપનો ગઢ છે. ૫ લાખની લીડથી જીતવું હશે તો ગામડાઓને લક્ષ્યાંક બનાવવા પડશે. વિધાનસભા અને લોક્સભાની ચૂંટણીમાં ઘણો તફાવત છે અને ભાજપના નેતાઓ સારી રીતે જાણે છે કે એટલે ગાંવ ચલે કાર્યક્રમ લોન્ચ કરાયો છે. બની શકે કે હજું ખાટલા બેઠકો પણ યોજાય…ભાજપ કોઈ પણ સંજોગોમાં લોક્સભામાં જીતની હેટ્રીક એ પણ ૫ લાખની લીડથી જીતવા માગે છે. ભાજપ પાસે સત્તા અને સંગઠનનો પાવર છે આ શક્ય નથી પણ ભાજપ માટે અશક્ય પણ નથી. કેટલાક નેતાઓએ પાટીલના આ લક્ષ્યાંકને અઘરો ગણાવ્યો છે પણ સૌ કોઈ જાણે છે કે જીતવું હશે તો ટાર્ગેટ હંમેશાં ઉંચો રાખવો પડશે.
ગુજરાતની ૨૬ લોક્સભાની બેઠકમાં ૨૦ સીટો પર ઉમેદવારો બદલાય તેવી પૂરી સંભાવનાઓ વચ્ચે ભાજપે કાર્યોલયો ખોલીને ચૂંટણી પ્રચાર તો શરૂ કરી દીધો છે પણ મૂરતિયાં ફેબ્રુઆરીના અંત સુધી ફાયનલ થશે. હાલમાં અમિત શાહ ગુજરાતમાં હોવાથી રાજ્યસભાની બેઠકના ૪ ઉમેદવારોના નામ ૧૪મી સુધી જાહેર થઈ જશે. ગુજરાતના ૨ મંત્રીઓના નામ પણ ફાયનલ ન હોવાથી ભાજપમાંથી રાજ્યસભામાં કોણ જશે એ ઉચાટનું કારણ છે. રૂપાલા અને માંડવિયાનું નામ લોક્સભાની બેઠકો માટે ચર્ચાઈ રહ્યું છે. આ બંને નેતાઓ સૌરાષ્ટ્ર અને પાટીદાર સમાજ સાથે સંકળાયેલા છે. હાલમાં જો અને તો ના નામો વહેતા થઈ રહ્યાં છે પણ સૌ કોઈ જાણે છે કે કોથળામાંતી બિલાડું નીકળે એમ નવા નામો જાહેર થશે. ભાજપનો ભૂતકાળ રહ્યો છે કે ચર્ચાતા નામ ક્યારેય જાહેર થયા નથી.