નવીદિલ્હી,
દિલ્હી એમસીડી ચૂંટણીને પગલે આમ આદમી પાર્ટી અને ભાજપ સતત એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહી છે. બંને દળના નેતા પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. દરમિયાન દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે આજથી આમ આદમી પાર્ટી પોતાના ચૂંટણી કેમ્પેઈનને આગામી તબક્કામાં લઈને જઈ રહી છે.
જનતાએ અરવિંદ કેજરીવાલને સરકાર ચલાવવાની તક આપી. સ્કુલ, હોસ્પિટલ બનાવ્યા, ૨૪ કલાક વિજળી, ટ્રાન્સપોર્ટ યોગ્ય કર્યુ. પાણી અને રોડ-રસ્તા સરખા કર્યા. સિસોદિયાએ કહ્યુ કે ભાજપને એમસીડી ચલાવવાની તક મળી. ૧૫ વર્ષ સુધી ભાજપે કંઈ કર્યુ નહીં. આજે ગમે ત્યાં ઉભા રહો દિલ્હી સરકારનુ કામ જનતા ગણાવી શકે છે. બીજી તરફ એમસીડીનુ કામ જનતા ગણાવી શકશે નહીં. ભાજપ નેતા પણ મ્યુનિસિપલનું કામ ગણાવી શક્તા નથી. ભાજપના નેતા અરવિંદ કેજરીવાલને ગાળો આપીને મત માગી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, મુખ્યમંત્રી, સાંસદ, ધારાસભ્ય સવારથી સાંજ સુધી અરવિંદ કેજરીવાલને ગાળો આપતા હોય છે. સવારથી ઉઠીને રાત્રે સૂવા સુધી કેજરીવાલને ગાળો આપે છે. આમ આદમી પાર્ટીની પાસે કામ છે, તેમની પાસે ગાળો છે.
આપ ’કેજરીવાલ કી સરકાર, કેજરીવાલ કા કાઉન્સિલર’ બીજુ કેમ્પેઈન શરૂ કરી રહ્યા છે. સિસોદિયાએ કહ્યુ કે અમે ભાજપ વિશે લોકોને અવગત કરી રહ્યા છીએ. ભાજપ પાસે કામ અને એજન્ડા નથી. ભાજપે ૧૫ વર્ષમાં કંઈ કામ કર્યુ નથી તે હવે આગામી ૫ વર્ષમાં શું કરશે. તેમાંય કેજરીવાલને ગાળો આપીને. તેમની પાસે ભવિષ્યની યોજના નથી.