ભાજપ ઉમેદવાર રાઘવજી પટેલનો ઘેરાવ, પડતર પ્રશ્ર્નો અંગે લોકોએ ઉગ્ર રજુઆત કરી,બનાસકાંઠાના વાવમાં ગેનીબેન ઠાકોરને વિરોધ સામનો કરવો પડ્યો

જામનગર,

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે દરેક રાજકીય પક્ષોએ કમર ક્સી લીધી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. જો કે ચૂંટણી સમયે મતદારોએ પણ પોતાનો મીજાજ બતાવવાનું શરુ કરી દીધુ છે. જામનગરમાં પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. રાઘવજી પટેલ સમક્ષ લોકોએ પોતાના પ્રશ્ર્નોને લઇને ઉગ્ર રજુઆત કરી હતી.

ચૂંટણી સમયે નેતાઓ પ્રચાર કરવા માટે ગામ ગામ જતા હોય છે. ત્યારે જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી ચૂંટણી મેદાને ઉતરેલા રાઘવજી પટેલને લોકો દ્વારા ઘેરવામાં આવ્યા હતા. વિગતવાર વાત કરીએ તો રાઘવજી પટેલ જામનગરના નવા ગામ પ્રચાર કરવા પહોંચ્યા હતા. ત્યારે લોકોએ તેમને ઘેરી લીધા હતા. લોકોએ પડતર પ્રશ્ર્નોને લઈને ઉગ્ર રજૂઆત કરી હતી. પૂર્વ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે લોકોને પડતર કામો કરી આપવાની ખાતરી આપી મામલો થાળે પાડ્યો હતો.

બીજી તરફ બનાસકાંઠાના વાવમાં ગેનીબેન ઠાકોરને વિરોધ સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર પોતાના મતવિસ્તારમાં પ્રચાર કરી રહ્યા હતા. ત્યારે ટોભા ગામમાં પ્રચાર દરમિયાન સ્થાનિકોના ટોળાએ ગેનીબેનને ઘેરીને તમે કયા વિકાસના કાર્યો કર્યા તે મુદ્દે સવાલો પૂછ્યા હતા. આ સમયે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન, કોંગ્રેસ કાર્યકરો અને ટોભા ગામના સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. જે પછી ગેનીબેનને પરત ફરવુ પડ્યુ હતુ.

મહત્વનું છે કે ચૂંટણી દરમિયાન અન્ય કેટલાક સ્થળોએ પણ મતદારોએ ચૂંટણીને લઇને પોતાનો મીજાજ બતાવી દીધો છે. વડોદરાના કરજણમાં સોસાયટીમાં રોડને લઇને મહિલાઓ રણચંડી બની છે અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. આણંદના ખંભાતમાં સ્થાનિક પ્રશ્ર્નોનું નિરાકરણ ન આવતા ભાજપ ઉમેદવાર મયુર રાવલના વિરોધમાં બેનરો લાગ્યા છે. તો ધોરાજીમાં રોડ-રસ્તાને લઇને કોંગ્રેસના ધારાસભ્ય વિરુદ્ધ “કામ નહીં તો મત નહીં” ના પોસ્ટરો લાગ્યા છે.