શિમલા, ખેડૂતોએ હિમાચલ પ્રદેશની મંડી લોક્સભા બેઠકથી ભાજપ ઉમેદવાર અને અભિનેત્રી કંગના રણૌતને તેની કથિત અપમાનજનક ટિપ્પણી માટે માફીની માગ કરી છે. સંયુક્ત ખેડૂત પંચે કંગનાને કૃષિ વિરોધી કાયદા સામે ચાલેલા આંદોલન દરમિયાન ખેડૂતો સામે તેના દ્વારા આપવામાં આવેલા કથિત નિવેદનોની યાદ અપાવી છે. સાથે જ માફી માગવાની પણ માગ કરી છે.
એસકેએમ સંયોજક હરીશ ચૌહાણે કહ્યું, ’કંગના ખેડૂતોના વોટ કેવી રીતે માગી શકે છે અને અમારા સમર્થનની આશા કેવી રીતે રાખી શકે છે? તેણે ખેડૂત સમુદાયનું અપમાન કર્યું છે. તેણે પહેલા માફી માગવી જોઈએ.’
ઉલ્લેખનીય છે કે ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ૨૦૨૦-૨૦૨૧માં થયેલા ખેડૂત આંદોલન દરમિયાન બોલીવુડ અભિનેત્રી કંગનાએ કથિત રીતે પંજાબની એક મહિલા ખેડૂતની ખોટી ઓળખ કરી હતી અને તેને બિલક્સિ બાનો કહી હતી. જોકે તે એક ૮૦ વર્ષની મહિલા હતી. તે મહિલા પહેલા દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં સીએએ વિરોધી વિરોધ પ્રદર્શન દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તર પર ચર્ચામાં રહી હતી.
કંગનાએ પોતાની એક ટ્વીટમાં આરોપ લગાવ્યો હતો કે ’શાહીન બાગ દાદી’ પણ કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા આંદોલનમાં સામેલ થઈ હતી. તેણે બિલક્સિ બાનો સહિત બે વૃદ્ધ મહિલાઓની તસવીરોની સાથે પોસ્ટને રીટ્વીટ કરી અને લખ્યું કે ’તે દાદી’ જે મેગેઝીનમાં છપાઈ હતી અને ૧૦૦ રૂપિયામાં ઉપલબ્ધ હતી. જોકે, ટ્વીટર પર લોકોએ જણાવ્યું કે બંને મહિલાઓ અલગ-અલગ છે તો કંગનાએ પોતાની ટ્વીટ હટાવી દીધી.
ચૌહાણે કહ્યું કે રાજ્યમાં ૭૦ ટકા મતદાતા ખેડૂત છે. ગત ૧૦ વર્ષ દરમિયાન રાજ્યના સાંસદો દ્વારા તેમના મુદ્દાને ક્યારેય ઉઠાવવામાં આવ્યા નહીં. તેમણે કહ્યું કે એસકેએમ વર્તમાન ચૂંટણીમાં તે ઉમેદવારોનું સમર્થન કરશે જે ખેડૂતોના હિતની વકાલત કરશે. ચૌહાણે કહ્યું, ’અમે મંડી લોક્સભા બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહને સમર્થન કરીશું કેમ કે તે એસકેએમનો ભાગ રહ્યાં છે અને તેમણે વિધાનસભામાં અમારા મુદ્દા ઉઠાવ્યા છે’.
તેમણે કહ્યું કે એસકેએમએ પાંચ સૂત્રી માગ પત્ર તૈયાર કર્યું છે અને તે દળોનું સમર્થન કરશે જે આ માગને પોતાના એજન્ડામાં સામેલ કરશે. તેમણે કહ્યું કે હિમાચલમાં ખેડૂતોનું દેવુ માફ કરવામાં આવ્યું નથી. સફરજન ઉદ્યોગ ઈરાનથી સસ્તા સફરજનની આયાતના કારણે ગંભીર સંકટમાં છે. સરકાર દ્વારા નિર્ધારિત લઘુતમ મૂલ્ય ૫૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ છતાં આયાતિત સફરજન ૪૦ રૂપિયા પ્રતિ કિલો વેચવામાં આવી રહ્યાં છે, જે સફરજન ઉદ્યોગ માટે વિનાશકારી છે.