ભાજપ ‘તમામ વિપક્ષી નેતાઓને જેલ મોકલી દેશમાં માત્ર પોતાના માટે ચૂંટણી લડવાની યોજના’,મુખ્યમંત્રી મમતા બેનરજી

કોલકતા, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ દેશમાં વિપક્ષી નેતાઓ પર થતી કાર્યવાહીને લઈને સત્તારૂઢ કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા. સીએમ મમતા બેનરજીએ આરોપ લગાવ્યો છે કે ભાજપ તમામ વિપક્ષી નેતાઓને જેલ મોકલી દેશમાં માત્ર પોતાના માટે ચૂંટણી લડવાની યોજનાને આકાર આપી રહ્યો છે. દેશમાં આગામી લોક્સભા ચૂંટણી ૨૦૨૪માં થવાની છે. ત્યારે ચૂંટણી પહેલા જ સરકાર તમામ વિપક્ષી નેતાઓ પર ઇડી અને કૌભાંડ કેસની કામગીરી કરતા નિશાન બનાવી રહી છે. મમતા બેનર્જીએ કેજરીવાલનો ઉલ્લેખ કરતા કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રીને એક્સાઇઝ પોલિસી સંબંધિત મની-લોન્ડરિંગ કેસમાં ૨ નવેમ્બરે ઈડી દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતાં, જ્યારે અન્ય ઘણા નેતાઓને પણ નોટિસ મોકલવામાં આવી છે.

સીએમએ ભાજપ પર નિશાન સાધતા દાવો કર્યો કે ઘણા વિપક્ષી સાંસદોના ફોન હેક થઈ રહ્યા છે. જેનો ઉપયોગ સરકાર આગામી ચૂંટણી માટે કરી રહ્યું છે. લોક્સભા ચૂંટણી પહેલા વિરોધ પક્ષોના નેતાઓની ધરપકડ કરી ભાજપ સરકાર દેશમાં માત્ર પોતાના માટે જ ચૂંટણી કરાવવા માંગે છે. આ સિવાય મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પાસે પશ્ચિમ બંગાળ માટે મનરેગા ફંડની માંગણી કરી હતી, જેની માંગ પહેલેથી જ ચાલી રહી છે. તેની સમયમર્યાદા ૧ નવેમ્બરથી વધારીને ૧૬ નવેમ્બર કરી હતી.

મનરેગાના ભંડોળ અંગે, તેમણે કહ્યું કે રાજ્યપાલ સીવી આનંદ બોઝે વચન આપ્યું હતું કે તેઓ આ મામલો કેન્દ્ર સાથે ઉઠાવશે. આજે છેલ્લો દિવસ પણ કંઈ થયું નથી. તેમણે કહ્યું કે જો ૧૬ નવેમ્બર સુધીમાં મનરેગાના બાકી નાણાં ચૂકવવામાં નહીં આવે તો અમે અમારી આગામી કાર્યવાહીની જાહેરાત કરીશું. ૧૫ નવેમ્બરે ટીએમસી મનરેગા ફંડ રિલીઝ કરવા અંગેના મુદ્દા પર તેમની આગામી કાર્યવાહી અંગે નિર્ણય લેશે. આ સંદર્ભે ટીએમસી કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં બેઠક બોલાવશે.