ભાજપ સાથે હાથ મિલાવ્યા બાદ વિમાન લીઝ કૌભાંડમાં પ્રફુલ્લ પટેલને સીબીઆઇની ક્લિનચીટ

મુંબઇ, શરદ પવારથી છેડો ફાડી અજિત પવારના વડપણ હેઠળ ભાજપ સાથે હાથ મિલાવનારા એનસીપીના સાંસદ પ્રફુલ્લ પટેલને એર ઈન્ડિયા માટે વિમાનો લીઝ પર લેવાના કૌભાંડમાં સીબીઆઈએ કિલનચીટ આપી દીધી છે. યુપીએ સરકારમાં પ્રફુલ્લ પટેલ નાગરિક ઉડ્ડયન પ્રધાન હતા ત્યારે આ કૌભાંડના આક્ષેપો થયા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ૨૦૧૭માં સીબીઆઈએ આ કૌભાંડમાં તપાસ શરુ કરી હતી પરંતુ હવે સાત વર્ષ બાદ તેમાં ક્લોઝર રિપોર્ટ આપી દેવાર્યો છે.

સીબીઆઈ દ્વારા ચાલુ મહિનામાં જ સક્ષમ કોર્ટ સમક્ષ ક્લોઝર રિપોર્ટ ફાઈલ કરી દેવાયો છે અને તેમાં પ્રફુલ્લ પટેલ ઉપરાંત નાગરિક ઉડ્ડયન મંત્રાલયના તત્કાલીન અધિકારીઓ તથા એર ઈન્ડિયાના તત્કાલીન અધિકારીઓ સામેનો કેસ બંધ કરવા જણાવાયું હોવાનો દાવો કેટલાક અહેવાલોમાં કરવામાં આવ્યો છે.

પ્રફુલ્લ પટેલ શરદ પવારનાં વડપણ હેઠળની એનસીપીના સાંસદ તરીકે મનમોહનસિંઘ સરકારમાં નાગરિક ઉડ્ડયન પ્રધાન હતા. ગયાં વર્ષે જુલાઈ માસમાં અજિત પવારે બળવો કર્યો ત્યારે પ્રફુલ્લ પટેલ તેમની સાથે જોડાયા હતા. સીબીઆઈના મૂળ કેસમાં પ્રફુલ્લ પટેલ પર હોદ્દાનો દુરુપયોગ કરી એર ઈન્ડિયા, નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓ તથા કેટલીક ખાનગી એજન્સીઓ સાથે મેળાપીપણું રચી કાવતરું કરી એર ઈન્ડિયા માટે મોટી સંખ્યામાં વિમાનો લીઝ પર લેવામાં કૌભાંડ આચરવાનો આરોપ હતો.

એર ઈન્ડિયા દ્વારા વિમાના ખરીદવામાં આવ્યાં હતાં તેમ છતાં પણ પ્રફુલ્લ પટેલના નિર્દેશથી વિમાનો ભાડે લેવામાં આવ્યાં હતાં. ખાનગી કંપનીઓને ખટાવવા એર ઈન્ડિયા માટે ચાર બોઈંગ ૭૭૭ વિમાનો ૨૦૦૬થી પાંચ વર્ષ માટે ભાડે લેવાયાં હતાં. વાસ્તવમાં એર ઈન્ડિયાને પોતે ખરીદેલાં વિમાનોની ડિલિવરી જુલાઈ ૨૦૦૭થી શરુ થઈ જવાની હતી. જરુર નહીં હોવા છતાં લાંબા સમય માટે ભાડે રખાયેલાં વિમાનોને કારણે પાંચ બોઈંગ ૭૭૭ વિમાનો તથા પાંચ બોઈંગ ૭૩૭ વિમાનો નકામા પડી રહ્યાં હતાં. જેના કારણે એર ઈન્ડિયાને ૨૦૦૭થી ૨૦૦૯ વચ્ચે ૮૪૦ કરોડનું નુક્સાન થયું હતું.