ભાજપ સાંસદ કંગના રનૌતની ફિલ્મ અંગે બબાલ, કોંગ્રેસ શાસિત રાજ્યમાં પ્રતિબંધ લાગી શકે છે

હિમાચલ પ્રદેશની ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ’ઇમરજન્સી’ પર પ્રતિબંધની તલવાર લટકી રહી છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસ શાસિત રાજ્ય તેલંગાણામાં સરકાર આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લઈ શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. હાલમાં જ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ પણ ફિલ્મ નિર્માતાને લીગલ નોટિસ મોકલી હતી.

તેલંગાણા શીખ સમાજના ૧૮ સભ્યોના પ્રતિનિધિમંડળે રાજ્ય સરકારના સલાહકાર મોહમ્મદ અલી શબ્બીર સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ફિલ્મમાં સમુદાયની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે તેલંગાણામાં શીખ સમુદાય કુલ વસ્તીના બે ટકા છે.

રિપોર્ટ્સ અનુસાર અધિકારીઓનું કહેવું છે કે, તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ આશ્ર્વાસન આપ્યું છે કે તેમની સરકાર ફિલ્મ ઈમરજન્સી પર પ્રતિબંધ મૂકવા પર વિચાર કરશે. શબ્બીરે કહ્યું, ’શીખ સમુદાયે ભાર મૂક્યો કે દેશની સશ દળોમાં લગભગ ૧૨ ટકા શીખ છે, જેમાંથી ઘણાએ દેશની સુરક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું છે. જણાવી દઈએ કે, શીખ યુવાનોએ ફિલ્મના પ્રમોશનલ મટિરિયલ પર નારાજગી વ્યક્ત કરી છે.

શબ્બીરે ઔપચારિક રીતે સીએમ રેડ્ડીને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી છે. તેમણે ફિલ્મના કન્ટેન્ટ પર સવાલો ઉઠાવતા આશંકા વ્યક્ત કરી હતી કે તેનાથી તણાવ થઈ શકે છે. તેમણે કહ્યું છે કે રેડ્ડીએ ખાતરી આપી છે કે તેઓ કાયદાકીય સલાહ લીધા બાદ આ અંગે નિર્ણય લેશે.

જણાવી દઈએ કે, શિરોમણી અકાલી દળના દિલ્હી એકમે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સટફિકેશનને અપીલ કરી છે કે કંગના રનૌત અભિનીત ’ઇમર્જન્સી’ની રિલીઝ પર પ્રતિબંધ મૂકે. કારણ કે તે સાંપ્રદાયિક તણાવને ઉત્તેજિત કરી શકે છે. બીજેપી સાંસદ અને અભિનેત્રી રણૌતે આ ફિલ્મમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ ૬ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.