
કર્ણાટકના કોંગ્રેસી ધારાસભ્ય બીઆર પાટિલે બીજેપી પર નિશાન સાધતા વિવાદાસ્પદ નિવેદન આપી દીધુ છે. તેમના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયુ છે.
ભાજપ કર્ણાટકે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, આગામી લોકસભાની ચૂંટણી જીતવા માટે અને હિન્દુ મતો પ્રાપ્ત કરવા માટે બીજેપી રામ મંદિર પર બોમ્બથી હુમલો કરાવી શકે છે અને પછી તેનો આરોપ મુસ્લિમ સમુદાય પર લગાવી શકે છે.
કર્ણાટક બીજેપી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. જોકે, એ વાત સ્પષ્ટ નથી કે, પાટિલે આ ટિપ્પણી ક્યારે કરી હતી.
બીજેપીએ પાટિલના આ નિવેદન પર પલટવાર કર્યો છે. કોંગ્રેસ પર નિશાન સાધતા બીજેપીએ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ હિન્દુ-મુસ્લિમ તણાવ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરી રહી છે. બીજેપીએ X પર લખ્યું કે, હિંદુત્વના પાયા પર સવાલ ઉઠાવનારા કોંગ્રેસીઓની નજર હવે રામ મંદિર પર પડી ચૂકી છે. કોંગ્રેસ રામ મંદિરને અસ્થિર કરવાનો અને હિંદુ-મુસ્લિમ તણાવ વધારવાનો પ્રયાસ કરી રહી છે. ભલે મંત્રી બી.આર.પાટીલે આ વાત ભૂલથી કેમ ના કહી દીધી હોય.
દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ માટેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. તમામ પક્ષો પોતપોતાના સ્તરે તૈયારીઓ કરી રહ્યા છે. દક્ષિણ ભારતના મોટાભાગના રાજ્યોમાં ભાજપની વધારે પકડ નથી. પરંતુ કર્ણાટકમાં તેની સારી પકડ છે. આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, કર્ણાટકમાં લોકસભા સીટોની સંખ્યા 28 છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે અહીં 25 બેઠકો જીતી હતી.