હાલ ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ માટેનું કોંકડું ગૂંચવાયું છે. સી. આર. પાટિલની મુદત પૂર્ણ થઈ ચૂકી હોવા છતાં પાર્ટી હજુ નવું નામ નક્કી કરી શકી નથી. ઓબીસી સમાજના નેતાને પ્રમુખ પદે બેસાડવા કે પટેલ સમાજના નેતાને પ્રમુખ પદ સોંપવું તેની ગડમથલ ચાલી રહી છે. પરંતુ ભાજપના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે જો પટેલ સમાજના વ્યક્તિને પ્રદેશ પ્રમુખ બનાવવાનું નક્કી થાય તો જૂના જોગી ગોરધન ઝડફિયા અને ભરત બોઘરાના નામ સૌથી આગળ ચાલી રહ્યા છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે. રાજ્યના સર્વોચ્ચ પદ પર પટેલ સમાજની વ્યક્તિ બેઠી હોવાથી સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી સામાજિક સમીકરણો સેટ કરવા માટે તેમના સંગઠનના સર્વોચ્ચ પદ એટલે કે પ્રદેશ પ્રમુખ પદે અન્ય સમાજની વ્યક્તિને બેસાડે તે સ્વાભાવિક છે. જેમાં મોટા સમાજ તરીકે ઓબીસી સમાજ મોખરે આવે. પરંતુ જો પાર્ટી મન બનાવે કે પ્રદેશ પ્રમુખ પદે પાટીદાર ચહેરાને બેસાડવો તો હાલમાં બે નામો ચર્ચામાં છે. એક નામ ભાજપના જૂના જોગી અને એક સમયના નરેન્દ્ર મોદીના જોડીદાર ગોરધન ઝડફિયાનું છે. જ્યારે બીજું નામ ભાજપના તોફાની નેતા ગણાતા ભરત બોઘરાનું છે.
આ બંને નેતાની જુદી જુદી ખાસિયત છે. ગોરધન ઝડફિયા અને ભરત બોઘરા બંને હાલ પ્રદેશ ઉપાયક્ષ તો છે જ. ઝડફિયા ભાજપ સંગઠનના જૂના જાણકાર છે. અગાઉ પણ સંગઠનનો તેમને અનુભવ છે. તેઓ સરકારમાં ગૃહ રાજ્યમંત્રી જેવા મહત્વના હોદ્દા પર પણ રહી ચૂક્યા છે. અન્ય રાજ્યોમાં ચૂંટણી પ્રભારી તરીકેની પણ તેઓ જવાબદારી નિભાવી ચૂક્યા છે. અને હાલમાં ગુજરાતમાં સંગઠનમાં પ્રદેશ ઉપાયક્ષના હોદ્દાની સાથે વિવિધ પ્રકારની સંગઠનાત્મક જવાબદારી સુપેરે નિભાવી છે. તેમનો સમગ્ર ગુજરાતનાં ખૂણે ખૂણે કાર્યકરો સાથે સીધો પરિચય હોવાથી તે બાબત તેમના વિશેષ પાસા તરીકે ઊભરી આવે છે. અન્ય રાજ્યોમાં જવાબદારી નિભાવી હોવાથી ભાજપના રાષ્ટ્રીય નેતાઓ સાથે પણ સારો એવો ઘરોબો ધરાવે છે.
બીજી બાજુ ભરત બોઘરા પણ સંગઠનના ઘણા પાઠ ભણી ચૂક્યા છે. વિધાનસભા અને લોક્સભાની મળીને છેલ્લી ચાર ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના મોટા નેતાઓ અને કાર્યકરોને ભાજપમાં લાવવાના મોટા ઓપરેશન પાર પાડયા છે. પાર્ટી હાઇકમાન્ડના તેઓ વિશ્ર્વાસુ છે. તેઓ ૨૦૧૭થી વિધાનસભાની ટિકિટ ઇચ્છી રહ્યા હતા. અને છેલ્લે તાજેતરની લોક્સભાની ટિકિટ માટે પણ તેમણે શીર્ષાસન કર્યું હતું. પરંતુ પાર્ટી તેમને ટિકિટ આપી નહોતી. બની શકે કે પાર્ટી તેમનો સંગઠનમાં ઉપયોગ કરવા માંગતી હોય માટે તેમને બાકાત રાખ્યા હોય.
પાર્ટીના અંતરંગ વર્તુળોના જણાવ્યા મુજબ ભરત બોઘરા નેતાઓને અને પક્ષની જરૂરિયાતોને સારી રીતે મેનેજ પણ કરી શકે છે તો બની શકે કે પાર્ટી તેમની આ લાયકાત પણ યાને લે. વળી તેઓ કડક અને તોફાની નેતાની છાપ ધરાવતા હોવાથી સંગઠનમાં પણ કડવા ડોઝ આપવાના થાય તો તે પ્રમુખ તરીકે આસાનીથી કડવા ડોઝ આપી શકે તેમ છે.સંગઠનના આંતરિક ઓપરેશનો પણ પાર પાડી શકવાની ક્ષમતા ધરાવે છે. અગાઉ ધારાસભ્ય રહી ચૂકેલા હોવાથી સરકારની કામગીરીથી વાકેફ છે. પાર્ટી માટે આજ્ઞાંક્તિ પ્રમુખ સાબિત થઈ શકે તેમ છે.