ભાજપનું ’૪૦૦ પાર’ સ્લોગન સારૂ છે પરંતુ સ્લોગન સફળ થવાનું નથી,રેવંત રેડ્ડી

કોચ્ચી, કેરળમાં લોક્સભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. બધાની નજર કેરળની વાયનાડ સીટ પર છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, બીજેપીના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રન અને સીપીઆઈ નેતા ડી રાજાની પત્ની એની રાજા અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ આ બેઠક જીતવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. આ જ ક્રમમાં તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પણ વાયનાડ પહોંચ્યા હતા. મીડિયા સાથે વાત કરતી વખતે તેમણે ભાજપના ’૪૦૦ પાર’ના નારા પર આકરા પ્રહારો કર્યા હતા.

બીજેપીના ’૪૦૦ પાર’ ના નારા પર રેવન્ત રેડ્ડીએ કહ્યું, સૂત્ર સારું છે પરંતુ સ્લોગન સફળ થવાનું નથી. લોકોએ બીજેપીને બે વાર તક આપી પરંતુ તેણે માત્ર લોકોને છેતર્યા. આ વખતે બીજેપીને કંઈ મળવાનું નથી. આજે વડાપ્રધાનને દક્ષિણ ભારત યાદ આવ્યું છે, તેમણે ૧૦ વર્ષ સુધી દક્ષિણને કોઈ ફંડ નથી આપ્યું, વડાપ્રધાને જણાવવું જોઈએ કે તેમણે કેરળને કેટલું ફંડ આપ્યું.

રેવન્ત રેડ્ડીએ કહ્યું કે ભાજપની મહત્વાકાંક્ષી ’મિશન સાઉથ’ યોજના નિષ્ફળ જશે કારણ કે દેશના આ ભાગમાં લોકો ભાજપને પસંદ નથી કરતા. કારણ કે ભાજપે ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ઉપરાષ્ટ્રપતિ કે સંરક્ષણ મંત્રી સહિત દેશના સર્વોચ્ચ પદો અને દક્ષિણના રાજ્યોને આર્થિક ફાળવણીની અવગણના કરી છે.

કેરળના વાયનાડ મતવિસ્તારમાં રાહુલ ગાંધી સાથે રોડ શોમાં ભાગ લેતા રેવંતે કહ્યું: “શું દક્ષિણ ભારતીયો શિક્ષિત નથી અને સક્ષમ નથી? દક્ષિણ ભારત આપણા દેશનો હિસ્સો છે, પરંતુ પીએમ મોદીએ ન તો અમને સ્થાન આપ્યું, ન અમને સન્માન આપ્યું, ન ભંડોળ આપ્યું કે અમને ઉચ્ચ હોદ્દા આપ્યા. અમને અમારો વાજબી હિસ્સો આપવામાં આવ્યો ન હતો. તો પછી તે દક્ષિણ ભારતમાંથી લોક્સભાની બેઠકોની અપેક્ષા કેવી રીતે રાખી શકે? કર્ણાટકમાં જ્યાં ભાજપ સત્તામાં હતો ત્યાં લોકોએ ભાજપથી છુટકારો મેળવી લીધો છે.