આણંદ, લોકસભા ચૂંટણી ને આડે હવે માત્ર ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યાં હોવાથી તમામ રાજકીય પક્ષો સક્રિય બન્યાં છે અને ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. આ વખતે ભાજપે ગુજરાતની તમામ સીટ પાંચ લાખ કરતાં વધુ મતોની લીડ સાથે જીતવાનો લક્ષ્ય મુક્યો છે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે ભાજપે વિરોધી પક્ષના સામાન્ય કાર્યકર્તાથી લઈ ઉચ્ચ કક્ષાના હોદ્દેદારો માટે કમલમના દ્વાર ખુલ્લાં મુકી દઈ ભરતી મેળો શરૂ કર્યો છે. ત્યારે, આ ભરતી મેળામાં આણંદ જિલ્લાના બોરસદ પંથકમાંથી સ્થાનિક સરપંચો, વકીલો, ડેપ્યુટી સરપંચ, ગ્રામ્ય દૂધ મંડળીના ચેરમેનો સહિત કુલ 3173 જેટલા આગેવાનો કોંગ્રેસનો હાથ છોડી, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયાં છે. સી.આર.પાટીલે ખેસ ઓઢાડી આ તમામને પક્ષમાં આવકાર્યા છે. ભાજપમાં જોડાયેલાં આ આગેવાનો પૈકી કેટલાક તો કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા અને રાજેન્દ્રસિંહ પરમારના નજીકના હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
અત્રે નોંધનીય છે કે, બોરસદ વિધાનસભા કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. ગત વિધાનસભા ચૂંટણીમાં બોરસદ બેઠક પર ભાજપે પહેલી વખત જીત મેળવી કોંગ્રેસનો ગઢ તોડ્યો હતો અને હવે એક સાથે 3 હજાર કરતાં વધુ આગેવાનોનો પક્ષપલ્ટો કરાવી આખે આખી કોંગ્રેસને જ તોડી નાંખી છે. જેથી હવે ભાજપ બોરસદ બેઠક પર વધુ મજબૂત બન્યું છે.