ભાજપનો આંતરિક ડખો ફરી બહાર આવ્યો: દિગ્ગજ નેતાએ પોતાના જ પક્ષના લોકોને ગણાવ્યા ’વિભીષણ’

લખનૌ : લોક્સભા ચૂંટણીના અંતિમ તબક્કાનો પ્રચાર ઉત્તર પ્રદેશમાં ચાલી રહ્યો છે. તો ભાજપના આંતરિક વિખવાદ પણ બહાર આવી રહ્યા છે. યુપીની મોહનલાલગંજ બેઠક પરના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરની પોસ્ટથી રાજકીય વાતાવરણ ગરમાયું છે. તેમણે પોતાના જ પક્ષના કેટલાક નેતાઓ પર રાજદ્રોહનો આરોપ લગાવતા તેમની સરખામણી વિભીષણ સાથે કરી છે.

કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરની પોસ્ટ બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. જેની અસર ચૂંટણીના પરિણામો પર પણ જોવા મળી શકે છે. કૌશલ કિશોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચૂંટણીમાં સમર્થન ન આપનારા નેતાઓ પર નિશાન સાયું અને જોરદાર ગુસ્સો વ્યક્ત કર્યો. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ’વિશ્વાસઘાતીને વિશ્ર્વાસઘાત કરવામાં જ ખુશ છે પરંતુ તેમને કોઈ પસંદ કરતું નથી, તેથી જ લોકો તેમના બાળકનું નામ વિભીષણ નથી રાખતા, બધા વિશ્વાસઘાતીઓની ઓળખ થઈ ગઈ છે.’

મોહનલાલગંજ બેઠક પર પાંચમા તબક્કામાં ૨૦ મેના રોજ મતદાન થયું હતું. આ પહેલા મંત્રી કૌશલ કિશોરનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તે કાર્યર્ક્તાઓ પર ગુસ્સે થતા જોવા મળ્યા હતા. પાર્ટીના કાર્યકરોને ઠપકો આપતાં તેમણે કહ્યું કે, મને વોટની ધમકી આપશો નહીં. તેનાથી મારા પર કોઈ અસર નહીં થાય. પહેલી વાર હું ૧૩ હજારથી હારી ગયો, બીજી વખત હું ૧૭ હજારથી હારી ગયો, આ વખતે. હું ૨૫ હજારથી હારી ગયો. કૌશલ કિશોર ૨૦૧૪ અને ૨૦૧૯માં બે વખત મોહનલાલગંજ લોક્સભા બેઠકથી સાંસદ રહી ચૂક્યા છે. આ વખતે પાર્ટીમાં તેમનો વિરોધ થતો જોવા મળ્યો હતો, તેમ છતાં ભાજપે ત્રીજી વખત પણ તેમના પર વિશ્વાસ દર્શાવ્યો હતો. સપા તરફથી આરકે ચૌધરી મેદાનમાં છે. સ્થાનિક લોકોમાં તેમના પ્રત્યે નારાજગી છે, તેમજ ગઠબંધન પક્ષ તરફથી પણ સખત પડકાર દેખાઈ રહ્યો છે.