ભાજપની તાકાતની આ વાસ્તવિક્તા છે. તેઓ ક્યારેય તમિલનાડુમાં એક પણ સીટ પોતાના દમ પર જીત્યા નથી: મુખ્યમંત્રી સ્ટાલિન

ચેન્નાઇ,

ભારતીય જનતા પાર્ટી દક્ષિણ ભારતના રાજ્યોમાં પોતાનું રાજકીય મેદાન તૈયાર કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. કર્ણાટક બાદ ભાજપની નજર તેલંગાણાની સાથે તમિલનાડુ પર પણ છે. તમિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકેના વડા એમ કે સ્ટાલિને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.

ડીએમકેના વડા અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને ૨૦૧૪થી દેશના વિવિધ રાજ્યોમાં પોતાની મજબૂત હાજરી નોંધાવનાર ભારતીય જનતા પાર્ટીને લઈને મોટું નિવેદન આપ્યું છે. એક ઈન્ટરવ્યુમાં જ્યારે તેમને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જંગી જીત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, એક રાજ્યમાં યોજાયેલી ચૂંટણીના પરિણામોના આધારે તમે ન તો આખા દેશના મૂડનો અંદાજો લગાવી શકો છો, અને ના લગાવવો જોઈએ.

મુખ્યમંત્રી સ્ટાલિને કહ્યું કે, વિધાનસભા ચૂંટણી અને લોક્સભા ચૂંટણીમાં ’રમતના નિયમો’ અલગ-અલગ હોય છે. સ્ટાલિને કહ્યું કે, દેશમાં એક રાજ્યથી બીજા રાજ્યમાં ભાજપના સમર્થનમાં ’વિવિધતા’ છે.

તેમના રાજ્ય તમિલનાડુ વિશે ખાસ વાત કરતા, મુખ્યમંત્રી સ્ટાલિને જણાવ્યું હતું કે, ભાજપએ ભૂતકાળમાં અને અગાઉની રાજ્યની ચૂંટણીઓમાં પ્રાદેશિક સહયોગીઓની ’પીઠ પર સવારી કરીને’ વિધાનસભા બેઠકો જીતી છે.ભાજપ એકલા હાથે એક પણ સીટ જીતી શકે તેમ નથી.

ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોના અધિકારો છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે અને સમવર્તી સૂચિના વિષયોને પણ પોતાનો ગણવાનો પ્રયાસ કરી રહી છે.તેમણે વધુમાં કહ્યું કે,ભાજપ રાજ્યપાલોના માધ્યમથી વિવિધ રાજ્યોમાં સમાંતર સરકાર ચલાવવાનો પ્રયાસ કરી રહી છે. એક ઈન્ટરવ્યુમાં મુખ્યમંત્રી સ્ટાલિને કહ્યું કે, વિવિધ રાજ્યોમાં ચૂંટાયેલી સરકારોને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહેલા ’નિયુક્ત’ રાજ્યપાલોનું વર્તન અને વલણ આપણા બંધારણની મજાક ઉડાવે છે. સ્ટાલિને વધુમાં કહ્યું કે, માત્ર ડીએમકે જ નહીં પણ કેરળમાં સીપીઆઇ એમ તેલંગાણામા બીઆરએસ, પશ્ર્ચિમ બંગાળમાં ટીએમસી અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી પણ તેની સામે અવાજ ઉઠાવી રહી છે. તેમણે કહ્યું કે રાજકીય રમત રમવાવાળા રાજ્યપાલ સંઘના લોક્તાંત્રિક અને સંઘીય સ્વરૂપ માટે શુભ નથી. તેને ઠીક કરવું જોઈએ.

ભાજપ પર પ્રહાર કરતા તમિલનાડુના મુખ્યમંત્રીએ કહ્યું છે કે, તે જીતવા માટે કંઈ પણ કરી શકે છે. તેમણે કહ્યું કે તમિલનાડુમાં લોકો રાજનીતિ અને ધર્મને અલગ-અલગ રાખે છે અને તેના કારણે જ અહીં ભાજપને ગૂંગળામણ થઈ રહી છે. સ્ટાલિને કહ્યું કે, ભાજપ,એઆઇએડીએમકેની આંતરિક વિખવાદનો ફાયદો ઉઠાવવા માંગે છે.ભવિષ્યમાં તમિલનાડુમાં એક મુખ્ય રાજકીય પક્ષ બનવાના ભાજપના પ્રયાસો પર તેમના મંતવ્યો શેર કરતા, તેમણે કહ્યું, ’હું આ વિષે સ્પષ્ટપણે જણાવું, અમે કે તમિલનાડુના લોકો ભાજપને તમિલનાડુમાં મુખ્ય વિરોધ પક્ષ તરીકે જોતા નથી. તે ૨૦૦૧ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ચાર ધારાસભ્યો મેળવવા માટે ડીએમકેના ખભા પર સવાર થઈ હતી. બે દાયકા પછી, એઆઇએડીએમકેની પીઠ પર સવાર થઈને, તેમને ૨૦૨૧માં ફરીથી ચાર ધારાસભ્યો મળ્યા. જ્યાં સુધી તમિલનાડુની વાત છે ત્યાં સુધી ભાજપની તાકાતની આ વાસ્તવિક્તા છે. તેઓ ક્યારેય તમિલનાડુમાં એક પણ સીટ પોતાના દમ પર જીત્યા નથી, અને જીતી શકે તેમ પણ નથી.’