મુખ્યમંત્રીના કાર્યાલયમાં, સચિવાલય સહિત ગુજરાતના અનેક વિવિધ ડિપાર્ટમેન્ટોમાં પૂર્વ આઈએએસ અધિકારીઓનો વર્ષોથી દબદબો રહ્યો છે. નિવૃત્ત થયાના બીજા જ દિવસે આવા અનેક અધિકારીઓને કી પોસ્ટ પર મુકી દેવામાં આવે છે. જેથી એવુ લાગે કે જાણે તેમના જેવા હોંશિયાર અધિકારીઓ છે જ નહી. તેઓ નિવૃત્ત થઈ ગયા હોઈ, વહીવટ કરવામાં પણ પાછી પાની કરતા નથી. અનેક ડિપાર્ટમેન્ટોમાં આવા અનેક અધિકારીઓ વર્ષોથી અડ્ડો જમાવીને બેસી ગયા છે. દિલ્હી ભાજપ હાઈકમાન્ડ સમક્ષ તાજેતરમાં નિવૃત્ત અધિકારીઓના સંદર્ભમાં ચર્ચા અને ફરિયાદ પણ થઈ હતી.
જેને લઈને હાઈકમાન્ડે હવે નિવૃત્ત અધિકારીઓની હકાલપટ્ટી કરવાનો તેમજ ભવિષ્યમાં આ પ્રકારના નિવૃત્ત અધિકારીઓને નહી રાખવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને ત્યાંથી સૂચના આવતા જ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ફરજ બજાવતા ચાર નિવૃત્ત આઈએએસ અધિકારીઓને એક સાથે જ છૂટા કરવાનો નિર્ણય કરાયો હતો. જેને લઈને ચર્ચા શરૂ થઈ છે કે, હવે સીએમઓ તેમજ સચિવાલયમાં અને અન્ય ડીપાર્ટમેન્ટોમાં ફરજ બજાવી રહેલા નિવૃત્ત આઈએએસ અધિકારીઓની પણ હકાલપટ્ટી કરાશે. ત્યાર બાદ કોઈ નવા નિવૃત્ત આઈએએસ અધિકારીઓને ફરીથી કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરીમાં રાખવામાં નહી આવે એવુ લાગી રહ્યુ છે.
લોક્સભામાં એનડીએને બહુમતિ મળી ગયા બાદ મોદી સરકારની શપથવિધિ અને ખાતાની ફાળવણી થઈ ગઈ છે. સચિવાલયમાં બાબુઓ ચર્ચા કરી રહ્યા છે કે,હવે ભાજપ હાઈકમાન્ડ ગુજરાતનો મામલો હાથ પર લેશે. સરકાર અને સંગઠનમાં ક્યારે અને કેવા ફેરફારો થવાના છે તેની ચર્ચા તેઓ એકબીજા સાથે કરી રહ્યા છે. સરકારમાં કુલ કેટલા મંત્રીઓની હકાલપટ્ટી કરાશે, કયા નવા મંત્રી લેવાશે તેની પૂછપરછ થઈ રહી છે.
ભાજપના ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ તરીકે કોની શક્યાતાઓ છે તેની પણ ચર્ચા છે. એટલુ જ નહી, કોન્ટ્રાક્ટ બેઝ પર વર્ષોથી ગુજરાત સરકારમાં ફરજ બજાવી રહેલા અનેક પૂર્વ આઈએએસ અધિકારીઓનુ હવે શું થશે તે અંગે પણ ચર્ચા થઈ રહી છે.મુખ્ય સચિવને દીલ્હી મોકલાશે કે કેમ જો આવુ થશે તો પછી તેની જગ્યાએ કયા અધિકારીને નવી સીએસ બનાવાશે તેવા પ્રશ્ર્નો પૂછાઈ રહ્યા છે. આ જ રીતે છેલ્લા ત્રણેક મહિનાથી જે બદલીઓ અટલી પડી છે તે હવે થશે. જેમાં કેટલાય આઈએએસ અધિકારીઓની બદલીનો સમાવેશ થાય છે.
ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ શિક્ષકોની કાયમી ભરતીને લઈને ગાંધીનગરમાં હલ્લાબોલ કર્યા બાદ આખરે કેબિનેટની મીટીંગમાં નિર્ણય લેવાયો હતો કે, આગામી ત્રણ મહીનામાં જ ધોરણ ૯થી ૧૨માં ટાટ પાસ માટે ૭૫૦૦ કાયમી શિક્ષકોની ભરતી કરાશે. ભરતી માટેના નિયમો બનાવીને તેને પણ જાહેર કરાશે. જો કે, આ જાહેરાત છતાંય ઉમેદવારોએ પોતાનુ આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. તેમજ પ્રાથમિક શાળાઓમાં પણ કાયમી શિક્ષકોની ભરતીની માગણી કરી છે. સરકારના આ નિર્ણયને પગલે સોશિયલ મીડિયા ઉપર લોકો સરકારની ટીકા કરી રહ્યા છે.
લોકો એવા મેસેજો મોકલી રહ્યા છે કે, હાઈકોર્ટ કોઈ આદેશ કરે અથવા તો કોઈ ચૂકાદો આપે ત્યારે સરકારનુ તંત્ર અને ટોચના અધિકારીઓ તુરંત જ જાગી જાય છે. રાજકોટની ગેમઝોનમાં લાગેલી ભીષણ આગ, વડોદરાની હરણીકાંડ કે પછી મોરબીના જુલતા પુલની દૂર્ઘટના વગેરેમા કોર્ટના કડક અવલોકન પછી જ સરકારે આકરા નિર્ણયો લેવાનુ શરુ કર્યુ હતુ. આ જ રીતે ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ કાયમી શિક્ષકોની ભરતીની માગણી સાથે આંદોલન કરતા અને મીડીયામાં તેની ગંભીર નોંધ લેવાયા બાદ સરકારે ભરતી પ્રક્રિયા કરવાનુ જાહેર કર્યુ હતુ.