ભાજપની ભરોસાની સરકારે ૨૨ મો પાડો જણ્યો:સરકાર શ્ર્વેત પત્ર બહાર પાડે કે સરકારમાં કેટલા પેપરલીક થયા છે. કેટલા ગુના દાખલ થયા : જિગ્નેશ મેવાણી

અમદાવાદ,

જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક બાદ પરીક્ષાર્થીઓ રોષમાં ફાટી નીકળ્યો છે. ત્યારે આ રોષ ગમે ત્યારે જ્વાળા બની શકે છે તેવી સરકારને શંકા છે. તેથી ગાંધીનગર ઉપવાસ છાવણી પર સુરક્ષા વ્યવસ્થા વધારાઈ છે. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. ત્યારે બીજી તરફ, પરીક્ષાર્થીઓ ગાંધીનગર તરફ કૂચ કરશે તેવી માહિતી છે. આ કારણે ગાંધીનગરમાં ૧૦૦થી વધુ પોલીસ કર્મચારી, ૨૦થી વધુ પોલીસ વાહનો ખડકાયા છે. આ વચ્ચે કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહાર કર્યાં છે.

જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, ગઇ કાલે ફરી વાર પેપર ફુટ્યું છે. ગુજરાતના સામાન્ય ઘરમાંથી આવતા યુવક યુવતીઓનાં નસીબ ફુટ્યા છે. ભાજપની ભરોસાની સરકારે ૨૨ મો પાડો જણ્યો છે. સરકાર શ્ર્વેત પત્ર બહાર પાડે કે સરકારમાં કેટલા પેપરલીક થયા છે. કેટલા ગુના દાખલ થયા કેટલા આરોપીઓ પકડાયા કેટલા ખટલા ચાલ્યા અને કેટલાનુ પીલ્લુ વાળી દીધું. અમારી જાણ પ્રમાણે કોઇ આવા કેસનાં કેસમાં કન્વીકેટ થયું નથી. કમલમ અને ગાંધીનગર બેઠેલા એકેય સામે કાર્યવાહી થઇ નથી. એક વર્ષમાં ડેઝીગ્નેટેડ કોર્ટમાં સ્પીડ ટ્રાયલ ચાલે અને જવાબદાર ને જેલમાં ધકેલાય છે. કૌભાંડીઓને ખાતરી છે કે ગુજરાતના શાસનમાં તેમને કંઇ થવાનું નથી. પીએમ મોદીએ ચૂંટણીમાં ઘણો પ્રચાર કર્યો પણ ક્યાંય પેપર ન ફુટવાની ખાતરી આપી ન હતી. હજુ સુધી રાજ્યના મુખ્યમંત્રીએ મગનું નામ મરી નથી પાડ્યું. નાની માછલીઓને પકડીને તપાસ પૂર્ણ થઈ જાય છે..ગાંધીનગરના મોટા માથાઓ કોઈ દિવસ પકડાતા નથી. તો બીજી તરફ, પેપર લીક મામલે એનએસયુઆઇ રાજ્યવ્યાપી વિરોધ કરવાના મૂડમાં છે. વિવિધ જિલ્લામાં એનએસયુઆઇના કાર્યકરો, હોદ્દેદારો વિરોધ કરી રહ્યાં છે. તમામ જિલ્લાના મથકે એનએસયુઆઇ વિરોધ નોંધાવ્યો છે.