ભાજપના નેતા સુરમા પાધી ઓડિશા વિધાનસભાના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા, ઇતિહાસ રચ્યો

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુરમા પાધીને ગુરુવારે ઓડિશા વિધાનસભાના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા હતા. નયાગઢ જિલ્લાના રાણપુર વિધાનસભા ક્ષેત્રમાંથી બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા પાધી આ પદ માટે એકમાત્ર ઉમેદવાર હતા. અન્ય કોઈ ઉમેદવાર ન હોવાથી પાધી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. પ્રોટેમ સ્પીકર આરપી સ્વૈને વિધાનસભાના વિશેષ સત્રમાં પાધીની ચૂંટણીની જાહેરાત કરી અને તેમને કાર્યભાર સોંપ્યો.

મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝી, નાયબ મુખ્ય પ્રધાનો કે.વી. સિંહ દેવ અને પ્રવતી પરિદા, વિપક્ષના નેતા નવીન પટનાયક અને ગૃહના અન્ય સભ્યોએ વિધાનસભાના નવા અયક્ષને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ સ્પીકરને અભિનંદન પાઠવ્યા હતા અને વિપક્ષ સહિત તમામ સભ્યોને ગૃહની સુચારૂ કામગીરી માટે પાધીને સહકાર આપવા અપીલ કરી હતી.

વિપક્ષના નેતા નવીન પટનાયકે કહ્યું, “હું તમને (પાધી) ૧૭માં વિધાનસભા અયક્ષ તરીકે અભિનંદન આપું છું. મને વિશ્ર્વાસ છે કે તમે સ્પીકર તરીકેના તમારા કાર્યકાળ દરમિયાન આ પ્રતિષ્ઠિત ગૃહની ગરિમા જાળવી રાખશો. હું આશા રાખું છું કે સભ્યો ગૃહની સુચારૂ કામગીરીમાં સહકાર આપશે અને એકલા કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી) ધારાસભ્ય લક્ષ્મણ મુંડાએ પણ પાધીને ઓડિશા વિધાનસભાના અયક્ષ તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

બીજુ જનતા દળના પ્રમિલા મલિક પછી ઓડિશા વિધાનસભાના સ્પીકર બનનાર પાધી બીજી મહિલા છે. રાજ્યમાં પહેલીવાર ભાજપે પોતાના દમ પર સરકાર બનાવી છે. તે રાજ્યમાં ભાજપ તરફથી પ્રથમ મહિલા સ્પીકર પણ છે. એસેમ્બલીના સ્પીકર તરીકે ચૂંટાયા બાદ પાધીએ કહ્યું હતું કે, મને આ પ્રતિષ્ઠિત ગૃહના સ્પીકર તરીકે ચૂંટવા બદલ હું દરેકનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું અને મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મને આટલું પ્રતિષ્ઠિત પદ અને જવાબદારી મળશે. હું અભિભૂત છું.

પાધી (૬૩) આ વખતે રાણપુર વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમણે બીજેડીના સત્યનારાયણ પ્રધાનને ૧૫,૫૪૪ મતોના માજનથી હરાવ્યા. પાધી ૨૦૦૪ની વિધાનસભા ચૂંટણીમાં રાણપુરથી ચૂંટાયા હતા અને નવીન પટનાયકના નેતૃત્વવાળી બીજેડી-ભાજપ ગઠબંધન સરકારમાં સહકાર મંત્રી હતા. સપ્ટેમ્બર ૨૦૨૩માં બીજેડીના વરિષ્ઠ નેતા પ્રમિલા મલિકે ઓડિશા વિધાનસભાની પ્રથમ મહિલા સ્પીકર બનીને ઈતિહાસ રચ્યો હતો. ૧૪૭ સભ્યોની ઓડિશા વિધાનસભામાં સત્તાધારી ભાજપ પાસે ૭૮ ધારાસભ્યો છે.