ભાજપને શંકર ચૌધરીની જીદ ભારે પડી અને બનાસકાંઠા હાથમાંથી ગયું

આમ તો દેશમાં અને ગુજરાતમાં ભાજપે બહુમત મેળવીને સત્તા હાંસિલ કરી છે. પરંતું આ બહુમતમાં પણ ભાજપે ઘણું ગુમાવ્યું. ગુજરાતમાં ત્રીજીવાર ક્લીન સ્વીપ કરવાના ભાજપના અરમાન પહેલીવાર અઘૂરા રહી ગયા. એક બેઠકથી ભાજપનું આ સપનું રગદોળાયું. કોંગ્રેસની એક મહિલા નેતાએ ભાજપને બરાબરની હંફાવી અને એક બેઠક પોતાના નામે કરી. હાલ આખા દેશમાં ગેનીબેન ઠાકોરના ચર્ચા છે. બનાસકાંઠામાં જીતીને ગેનીબેને કોંગ્રેસને ફરીથી સજીવન કર્યું છે. ત્યારે ભાજપ હવે હારના કારણો શોધવામાં લાગી ગયું છે. ભાજપને પહેલાથી જ આ બેઠકનો ડર હતો અને તેવુ જ થયું. હવે ચર્ચા છે કે, જો રેખા ચૌધરીને બદલ્યા હોત તો આજે ભાજપનું હેટ્રિકનુ સપનું સાકર થયું હોત. પરંતું શંકર ચૌધરીની જીદ સામે પાટીલે નમતું જોખ્યું, અને બાજી બગડી.

બનાસકાંઠા બેઠક ગુમાવ્યા બાદ હવે ભાજપમાં અંદરખાને ગણગણાટ શરૂ થયો છે. ગેનીબેને એકલા હાથે ભાજપો વિજય રથ રોક્યો. તેથી હવે ચર્ચા ઉઠી છે કે, રેખાબેન ચૌધરીને બદલ્યા હોત તો સારું થાત. આ બેઠક પર રેખાબેનને બદલવા માટે હાઈકમાન્ડ સુધી રજૂઆત થઈ હતી, પરંતું પાર્ટી પોતાના નિર્ણય પર અડગ રહી. જો રેખા ચૌધરીને બદલે કોઈ અન્ય મજબૂત ઉમેદવાર હોત તો આજે બનાસકાંઠા ભાજપનું હોત.

૬૨ વર્ષબાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે, તો કોંગ્રેસમાં તો જાણે પ્રાણ ફૂંકાયા છે. પરંતું ભાજપની જીતનો નશો ઉતરી ગયો છે. હવે બધા હારનું ઠીકરું એકબીજા પર ફોડી રહ્યાં છે. પરંતું બનાસકાંઠાની હાર માટે મુખ્ય કોણ જવાબદાર છે. ત્યારે હવે હારના કારણો શોધતા એક જ ચર્ચા ઉઠી છે કે જો રેખાબેનને બદલ્યા હોત તો. ભાજપમાં જે જે બેઠકો પર વિરોધ ઉઠ્યો હતો તે તમામ પર ઉમેદવારો બદલવામાં આવ્યા હતા. સાબરકાંઠા, વડોદરામાં ઉમેદવારો બદલાયા હતા. બનાસકાંઠામાં પણ વિરોધ તો થયો જ હતો, પરંતુ શંકર ચૌધરીની જીદ સામે પાટીલનું કંઈ ન ચાલ્યું, અને બદલામાં ભાજપે બેઠક ગુમાવી.

ચર્ચા એવી છે કે, રેખા ચૌધરીને બદલવાની માંગ ઉગ્ર બનતાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ભાજપ પ્રમુખ પાટીલ સાથે બેઠક કરી હતી. શંકર ચૌધરીને ઉમેદવાર યથાવત રાખવાની જીદ સામે પાટીલે નમતુ જોખ્યુ હતું. જેના કારણે સ્થાનિક નેતાઓની રજૂઆતને યાને લેવામાં આવી ન હતી. જો રેખા ચોધરીને બદલવામાં આવ્યા હોત તો કદાચ ભાજપનુ કિલનસ્વિપનું સપનું સાકાર થયુ હોત.