ભાજપને સૌથી મોટુ દાન આપનાર મેઘા એન્જિનયરિંગ કંપની પર સીબીઆઇની કાર્યવાહી

નવીદિલ્હી, સ્ટીલ મંત્રાલય તથા મેઘા એન્જિનયરિંગ ઇન્ફાસ્ટ્રક્ચર લિમિટેડના અધિકારિયો પર ૩૧૫ કરોડ રૂપિયાની એનઆઇએસપી પરિયોજનામાં કથિક ભ્રષ્ટાચારને લઇને કેસ નોંધવામાં આવ્યો છે. સીબીઆઇએ આ જાણકારી આપી હતી. તપાસ એજન્સીએ જણાવ્યું છે કે ૩૧૫ કરોડ રૂપિયાની પરિયોજનાના અમલિકરણમાં ભષ્ટાચારને લઇ સ્ટીલ મંત્રાલયના એનએમડીસી આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટનાં આઠ અધિકારિઓ સહિત મેઘા એન્જિનયરિંગ એન્ડ ઇન્ફાસ્ટ્રકચર લિમિટેડની સામે કેસ નોંધવામાં આવ્યા છે.

તમને જણાવી દઇએ કે હાલમાં ચૂંટણી બોન્ડને લઇને મેઘા એન્જિનયરિંગ ઇન્ફાસ્ટ્રકચર લિમિટેડ ખૂબ ચર્ચામાં રહ્યું છે. હૈદરાબાદની કંપની એન્જિનયરિંગ એન્ડ ઇંફાસ્ટ્રકચર ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને દાન આપનારી બીજી સૌથી મોટી કંપની છે. તેણે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ અને ૨૦૨૩-૨૪ વચ્ચે કુલ ૯૬૬ કરોડ રૂપિયાના બોન્ડ્ ખરીદ્યા હતા, આ કંપની ચૂંટણી બોન્ડ ખરીદવામાં બીજા ક્રમે છે.

આ કંપનીએ ચૂંટણી બોન્ડ દ્વારા ભાજપને લગભગ ૫૮૫ કરોડ રૂપિયાનુ મહત્તમ દાન આપ્યું હતું. કંપનીએ બીઆરએસને ૧૯૫ કરોડ રૂપિયા, ડીએમકેને ૮૫ કરોડ રૂપિયા અને વાયએસઆરસીપીને ૩૭ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. ટીડીપીને કંપની પાસેથી લગભગ ૨૫ કરોડ રૂપિયા મળ્યા જ્યારે કોંગ્રેસને ૧૭ કરોડ રૂપિયા મળ્યા. તો આ કંપનીની સ્થાપના ૧૯૮૯માં ઉદ્યોગપતિ પામીરેડ્ડી પિચી રેડ્ડીએ ‘મેઘા એન્જિનયરિંગ એન્ટરપ્રાઇઝ’ તરીકે કરી હતી. ૨૦૦૬માં, તેણે તેનું નામ બદલીને ‘મેઘા એન્જિનયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ રાખ્યું અને મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ જેમ કે ડેમ, નેચરલ ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક, પાવર પ્લાન્ટ્સ અને રસ્તાઓમાં સક્રિય થઈ.